Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

સરકાર અને ખાનગી શાળા સંચાલકો વચ્ચેની પ્રથમ મીટીંગ પૂર્ણ

ફી માં ઘટાડો નહિં થાય : ખાનગી શાળાના સંચાલકોએ ઘસીને ના પાડી દીધી

ખાનગી શાળાના સંચાલકો અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથેની બેઠકમાં ૨૫ ટકા ફી ઘટાડવાની વાતને ખાનગી શાળાના સંચાલકોએ ફગાવી દીધી, જયારે ગરીબ વિદ્યાર્થીઓની ફી ઘટાડવા સહમત થયા

ગાંધીનગરઃ ગુજરાત હાઈકોર્ટના આદેશ પછી ફી મામલે ફોર્મ્યુલા ઘડવા માટે આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ખાનગી સ્કૂલ સંચાલકો વચ્ચે બેઠક મળી હતી. આ બેઠકમાં સરકાર તરફથી તમામ વિદ્યાર્થીઓની ૨૫ ટકા ફી દ્યટાડો કરવાની ફોર્મ્યુલા આપવામાં આપી હતી. જોકે, સ્કૂલોએ આ ફોર્મ્યુલાને ફગાવી દીધી હતી.

બીજી તરફ ખાનગી સ્કૂલના સંચાલકોએ જરૂરિયાદમંદ અને ગરીબ વિદ્યાર્થીની ફી તેની પરિસ્થિતિ મુજબ ઘટાડવા તૈયારી દર્શાવી હતી. સરકારે તમામ વિદ્યાર્થીઓની ફીમાં ૨૫ ટકા ઘટાડો કરવા આપેલી ફોર્મ્યુલા આપી હતી. જોકે, આ બાબતે પ્રાથમિક ચર્ચામાં સંચાલકોએ તમામ વિદ્યાર્થીઓની ફીમાં રાહત આપવાની દલીલને નકારી હતી.

સાથે ટયુશન ફી સિવાય અન્ય ફીમાં ૨૫ ટકા ઘટાડો કરવા સંચાલકોએ તૈયારી દર્શાવી હતી. આગામી સમયમાં ફરી ફી અંગે સંચાલકો અને શિક્ષણ વિભાગ પરામર્શ કરશે.

રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું, આ મીટિંગનો પહેલો રાઉન્ડ છે અને સરકાર વાલીઓને રાહત આપવા માટે પોતાના પ્રયાસો ચાલુ રાખશે. શિક્ષણમંત્રીએ કહ્યું, થોડા સમયમાં જ ફરીથી તેઓ મળશે.

ગુજરાત સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ અસોસિયેશનના પ્રેસિડેન્ટ ભરત ગજિપરાએ કહ્યું, રાજયમાં ૧૬,૦૦૦ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો આવેલી છે. ફી ઘટાડવા માટેના સરકારના પ્રસ્તાવને જો સ્વીકારવામાં આવે તો તેમાની ઘણી સ્કૂલોને નુકસાન થશે. આથી અમે સરકારના પ્રસ્તાવને નકારી દીધો છે.

(3:01 pm IST)