Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

પાટણમાં ૧ કલાકમાં ૩II ઇંચ વરસાદ

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાઃ ધારાસભ્ય ડો.કિરીટ પટેલે મુલાકાત લીધી

 પાટણ, તા.૨૧: સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે કાલ સાંજના સુમારે પાટણમાં એક કલાકમાં જ સાડા ત્રણ ઇંચ વરસાદ પડતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા બેટમાં ફેરવાયા હતા. એક કલાક સુધી પડેલ ધોધમાર વરસાદને પગલે શહેરનું જનજીવન પ્રભાવીત બન્યુ હતું.

ધોધમાર વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને ઘરમાં જ પુરાઇ રહેવું પડયુ હતું તો શહેરના બુકડી, કાલીબજાર, રાજકાવાડા, સોનીવાડ સહિતના વિવિધ વિસ્તારોમાં બેથી ત્રણ ફુટ પાણી વહેતા થયા હતા અને નદીનું વહેણ જતું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. બુકડી, રાજકાવાડા અને સોનીવાડામાં દુકાનોમાં પાણી ફરી વળતા માલ-સામાન પલડયો હતો. રેલ્વે ગરનાળું, કોલેજનો અંડરબ્રીજ અને હંગામી બસસ્ટેન્ડમાં પાણી ભરાયા હતા.

મેઘાનું રૌદ્ર સ્વરૂપ આનંદ સરોવર આજુબાજુની સોસાયટીઓ માટે ખતરાની ઘંટડી સમાન બન્યો હતો. આનંદ સરોવર પાણીથી છલોછલ ભરાયેલું છે અને પાણી ઓસાર્યુ નથી ત્યાં જ નવા પાણીની આવક થતાં સ્થિતિનો તાગ મેળવવા ધારાસભ્ય ડો.કિરીટ પટેલે આનંદ સરોવર અને આજુબાજુની સોસાયટીઓની મુલાકાત લીધી હતી.

(3:02 pm IST)