Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

વિકાસની ગાડી સતત ગિયરમાઃ અનેક અગત્યના નિર્ણય

ગામડા - શહેરના સરખા વિકાસ માટે પ્રયાસઃ નવી કૃષિ નીતિ અને નવી બિલ્ડીંગ પ્લાન નીતિથી સાર્વત્રીક રાજીપાનો માહોલઃ કોરોના સમયમાં અનેક મહત્વના નિર્ણયો

 રાજકોટ તા. ૨૧, કોરોનાના કપરા સમયમાં પણ ગુજરાત રાજય સરકાર કેટલાક મહત્વના નિર્ણય લઇ રહી છે. જયારે પણ ચૂંટણી આવશે ત્યારે એનો લાભ ચોક્કસ થશે. રુપાણી સરકારે તાજેતરમાં લીધેલા કેટલાક નિર્ણયોની જાહેરાત ખરેખર ઝડપી વિકાસલક્ષી નીતિનો પુરાવો છે. સાથે જ કોરોના સામે તો સરકારની લડાઇ ચાલુ જ છે.

બે દિવસ પહેલાં રાજય સરકારે બિલ્ડીંગ બાંધવાના નિયમોમાં મહત્વની જાહેરાત કરી. પ્રાથમિક રીતે આ બિલ્ડર્સ માટેની જાહેરાત લાગે પરંતુ એને લીધે સમગ્ર બાંધકામ ઊદ્યોગને જંગી ફાયદો થશે. સિમેન્ટ કે બિલ્ડીંગ મટીરિયલના વિક્રેતાથી માંડીને નાના-મોટા મજુરો,કારીગરો માટે રોજગારીની તકો ખુલશે,

ગુજરાતના ઇતિહાસમાં આ નિર્ણય મહત્વનો સાબિત થશે. અત્યારે ૨૨-૨૩ માળના મકાનો બાંધવાની મંજુરી છે. હવે એ ઊંચાઇ છેક સિત્ત્।ેર માળે પહોંચશે એટલે કે ત્રણગણી થશે. સૌરાષ્ટ્રનું સૌથી ઊંચું મકાન અત્યારે ૨૨ માળનું છે. અમાદાવાદ, વડોદરા,સુરત,રાજકોટ અને ગાંધીનગરમાં આવા મકાન બાંધી શકાય એ માટે સીજીડીસીઆરમાં રેગ્યુલેશન આમેજ માટેનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે રાજયના પાંચ જિલ્લામાં નળ જોડાણ આપવાનો પાયલોટ પ્રોજેકટ પણ હમણાં સરકારે જાહેર કર્યો છે. એ પછી આ ઊંચી ઇમારતો માટેની જાહેરાત થઇ છે. તેની સામે ગયા અઠવાડિયે નવી કૃષિ નીતિ જાહેર કરીને જન્માષ્ટમીની ભેટ કિસાનોને આપી છે. પાકવીમાનું પ્રિમિયમ પણ સરકાર ભરી આપશે ઉપરાંત અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિના પણ વીમાનું પેકેજ જયારે જાહેર કર્યું છે ત્યારે ગામડાંના લોકોને પણ સંતોષ આપવાનો સરકારનો પ્રયાસ છે.

કોરોના સંક્રમણ જામ્યુ છે. ત્યારે રાજય સરકાર આવા હિમ્મત ભર્યા નિર્ણય લઇ રહી છે. પેટા ચૂંટણી આવે, સ્થાનિક સ્વરાજયની ચૂંટણી આવે કે પછી ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે ગુજરાતમાં ભાજપને આનાથી ફાયદો થશે. તે નિશ્ચિત છે. રૂપાણી સરકારે સમાજના તમામ વર્ગોને નજર સમક્ષ રાખ્યા છે તેવું રાજકીય પંડીતો માની રહયા છે.

(3:55 pm IST)