Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

પાટીલજીની સૌરાષ્ટ્ર મુલાકાત અનેક રીતે રસપ્રદ

હાર્દિક ફેકટરની અસર ન થાય એ પણ કારણ? ધાર્મિક સ્થળોમાં માત્ર ખોડલધામ અને ઉમિયાધામની મુલાકાત શું સુચવે છે? : ભાજપની પરંપરા મુજબ સોમનાથ મંદિરની મુલાકાતનો સીલસીલો સતત જળવાયેલો રહ્યો

રાજકોટ, તા. ૨૧ : ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ બન્યા બાદ નવસારી ભાજપના સાંસદ શ્રી સી.આર.પાટીલ પ્રથમવાર સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા છે. કોરોના સંક્રમણ અને સતત વરસાદની વચ્ચે એમની મુલાકાત દરમિયાન વધુ પડતા લોકો એકઠા ન થાય તેનું  ધ્યાન રાખવુ પડી રહ્યુ છે. પ્રદેશ ભાજપ પ્રમુખની સૌરાષ્ટ્ર મુલાકાત અગત્યની તો છે જ કારણ કે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી ૨૦૨૧ની શરૂઆતમાં આવી જ રહી છે.  એમાં હાર્દિક પટેલ સહિતના ફેકટર્સ શું અસર કરશે તેની ઉપર ભાજપની બાજ નજર છે.

ઘણા લાંબા સમયે ભાજપને એવા પ્રદેશ પ્રમુખ મળ્યા છે જેઓ સૌરાષ્ટ્રના નથી. કોંગ્રેસે બિનગુજરાતી પ્રમુખનો વિવાદ પણ ઉભો કર્યો હતો, જો કે એ મુદ્દો ચાલ્યો નથી. સી.આર.પાટીલ નરેન્દ્રભાઈ મોદીની પોતાની પસંદગી હોવાનું મનાય છે. ભાજપની એ પરંપરા છે કે પક્ષે નક્કી કરી લીધા પછી પક્ષમાં કોઈ વિરોધ થતો નથી.

સૌરાષ્ટ્ર આમ પણ ભાજપ માટે હંમેશા પ્રભાવશાળી રહેલ છે. અહિં જ એને સૌથી વધુ ફાયદો થયો છે તો નબળા સમયમાં મુશ્કેલી પણ મોરબી કે અમરેલી જિલ્લામાંથી  પડી છે. હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બન્યા પછી ગમે તે કારણે થોડા દિવસ દેખાઈને ફરી ખોવાઈ ગયા છે. એવી પણ ચર્ચા છે કે કોંગ્રેસમાં સ્થાનિક કક્ષાએ કોંગ્રેસીઓ તેમને મનથી આવકારતા નથી. વિધાનસભાની પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં રાજયના પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં હાર્દિક પટેલ ફેકટરની અસર શું થાય છે એનંુ ચિંતન ભાજપ સતત કરી રહ્યો હોય એ સ્વાભાવિક છે.

સી.આર.પાટીલે સોમનાથથી પ્રવાસની શરૂઆત કરી છે. ધાર્યુ હોત તો સરદાર સ્મારક, ગાંધી સ્મારક કે અન્ય કોઈ રાષ્ટ્રીય સ્મારકથી પ્રવાસની શરૂઆત કરી શકત. પરંતુ સોમનાથ દર્શનની પરંપરા ભાજપની રહી છે. અડવાણી હોય, કેશુભાઈ પટેલ હોય કે નરેન્દ્રભાઈ મોદી હોય કે અમિતભાઈ શાહ કે વિજયભાઈ રૂપાણીથી લઈને નીતિનભાઈ ભારદ્વાજ સુધીના નેતાઓ  સમયાંતરે સોમનાથ આવતા - જતા રહ્યા છે. એટલે આગામી ચૂંટણીમાં પણ હિન્દુત્વ એક ખૂણે તો રહેશે એવો સ્પષ્ટ સંકેત મળે છે. આમ પણ રામ મંદિર નિર્માણનું કાર્ય શરૂ થયુ એટલે હિન્દુત્વની લહેર તો દેશભરમાં છવાઈ જ છે.

ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે સૌરાષ્ટ્રમાં અનેક મહત્વના દેવસ્થાનો છે. ભાજપ અધ્યક્ષે ખોડલધામ અને ગાંઠીલા - ઉમિયાધામ  ખાસ પસંદ કર્યા અને ત્યાં તેમનું ઉષ્માભેર સ્વાગત પણ થયુ. લેઉવા અને કડવા પાટીદાર સમાજના આ કુળદેવીના સ્થાન છે. ૨૦૦૭થી ગુજરાતમાં જે રાજકીય પરિવર્તિન આવ્યા એમાં આ બંને સમાજનો મહત્વનો ફાળો રહ્યો છે. ૨૦૧૨માં અને એ પછી બંને ધાર્મિક સ્થળોએ અનેક કાર્યક્રમો પણ સતત યોજાતા રહ્યા છે. આ બંને સ્થળોની પાટીલજીની મુલાકાત એ સ્પષ્ટ કરે છે કે પાટીદાર મતબેન્કનો મુદ્દો ભાજપ માટે સતત મહત્વનો રહ્યો છે.

સી.આર. પાટીલ પર મોટી જવાબદારી ભાજપના જૂના કાર્યકર્તાને સાંચવવાની અને મનદુઃખ થયા હોય તો હળવા કરવાની પણ છે અને આવા અનેક જૂના જોગીઓને તેઓ મળ્યા પણ છે.

કોંગ્રેસ છોડીને જેઓ ભાજપમાં આવ્યા છે એમને ટીકીટ આપવાથી થોડી નારાજગી તો હતી. પરંતુ આગળ ઉપર એ સ્થિતિ ન રહે એ પણ ધ્યાને લઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ એવા અનેક કાર્યકરો, અગ્રણીઓ છે જે વર્ષોથી ભાજપમાં છે અને સતત ચૂંટણી ઈન્ચાર્જનું કામ કરે છે. આ તમામ મુદ્દા એમના પ્રવાસ સાથે સંકળાયેલા છે.

સર્વાંગી રીતે જોઈએ તો સ્થાનિક ચૂંટણીઓ પહેલા આ પ્રવાસ સૌરાષ્ટ્રના રાજકારણ માટે સુચક ગણવામાં આવી રહ્યો છે અને જયારે હાર્દિક પટેલને કોંગ્રેસે કાર્યકારી અધ્યક્ષ જેવું મોટુ સ્થાન આપ્યુ છે ત્યારે ભાજપ આ ફેકટરને અવગણી શકે તેમ નથી. ભવિષ્યમાં ગમે ત્યારે પણ હવે મુખ્યમંત્રી પાટીદાર સમાજમાંથી હશે તેવા ગણિત મંડાવા લાગ્યા છે.  પાટીલજી સાથે લેઉવા પાટીદાર અગ્રણી ઝડફીયાજીની સૌરાષ્ટ્રમાં સતત હાજરી, તેમની હત્યાનું કાવત્રુ આ ભવિષ્યના આવી રહેલા બદલાવ અંગે ઘણા ઘણા નિર્દેશો આપી જાય છે.

(3:58 pm IST)