Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

વડોદરા નજીક નદી-તળાવમાં ડૂબી જવાના કારણોસર બે શખ્સોના મૃત્યુ

વડોદરા: શહેરમાં નદી અને નાળા છલકાતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઇ રહેવાના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. ગઈકાલે ગ્રામ્ય વિસ્તારમાં પાણીનુ પ્રમાણ વધવાના કારણે ડૂબવાના બે બનાવો બન્યા હતા.

વડોદરા પાસે વાઘોડિયા ચોકડીથી પોર તરફ જવાના રસ્તે એક હોટલ પાસે આવેલી તલાવડીમાં પાણી ભરાઇ જતા ત્યાંથી પસાર થતા હકુભાઇ વણઝારા (ઉંવ 46) નું લપસી જવાથી મોત નિપજયું હતું. ફાયર બ્રિગેડને જાણ કરાતા આજે સવારે તેમનો મૃતદેહ શોધી કિશન વાડીમાં રહેતા સંબંધીને સોંપાયો હતો.

બીજા એક બનાવમાં વડોદરા પાસે આવેલા કાયાવરોહણ ખાતે રહેતા શ્રમજીવી રતન બુધાભાઈ વસુનિયા (ઉ વ 52) નજીકમાં પસાર થતી રંગાઈ નદીના પાણીથી ભરેલા મોટા ખાડામાં પગ ધોવા ઉતર્યા ત્યારે અંદર ખાબકતા તેમને શોધવા ડભોઇ અને વડોદરા ફાયરબ્રિગેડની મદદ લેવાઈ હતી. બપોર બાદ તેમનું મૃતદેહ મળી આવતા પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.

(5:39 pm IST)