Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખેડૂતોની માઠી : સુરત જીલ્લાના ઓલપાડ તાલુકામાં ડાંગરના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા પાકને નુકશાન

સુરત : સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી પડેલા ભારે વરસાદ અને ખાડીપુરની સ્થિતિના પગલે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા ડાંગરના ખેતરોમાં પાણી ફરી વળતા સમગ્ર પાક પાણીમાં ગરકાવ થઇ ગયો છે. જયાં સમગ્ર દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો અંદાજે રૃા.૧૦૦ કરોડનું નુકશાન ડાંગરના પાકનું ઉત્પાદન કરનાર ખેડૂતને થયું છે.

ગુજરાતમાં આ વખતે વરસાદે મોડે મોડે ધમાકેદાર ઇનિંગ કરતા તેની અસર સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જોવા મળી છે. છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા ભારે વરસાદના પગલે જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ડાંગર, શેરડી અને શાકભાજીના પાકને વ્યાપક નુકશાન થયા હોવાનો દાવો દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા કરાયો છે. જેમાં માત્ર સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા ખેતરોમાં ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થઇ જતા મોટા પાયે નુકશાનની ભીતિ વ્યકત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું છે કે આ વખતે વરસાદ મોડો આવ્યો છતાં છેલ્લા બે સપ્તાહ દરમ્યાન ભારે વરસાદ પડયો છે. જેમાં સુરત જિલ્લાના ગામડાઓ અને દક્ષિણ ગુજરાતના જિલ્લા અને તાલુકાઓમાં પણ ભારે વરસાદના કારણે ડાંગરના પાકને વ્યાપક નુકશાન થયું છે.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પ૦ ટકા ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થયો છે. ખેતરોમાં વરસાદી પાણી હજી પણ ભરાયેલા છે. જિલ્લામાં ૧૧૦૦ હેકટર જમીનમાં ડાંગર પાકની રોપણી કરવામાં આવી છે.  જયારે શાકભાજી અને શેરડી જેવા પાકોને પણ નુકશાન થયું છે. જયાં આશરે ૧૦૦ કરોડના નુકશાનનો અંદાજ છે. રાજય સરકાર ખેડૂતોના નુકશાનની ભરપાઇ કરે તેવી માંગ છે.

(5:40 pm IST)