Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

સુરતના પીપલોદમાં છુટા પૈસા લેવાના બહાને ગઠિયા દુકાનમાંથી 10 હજાર લઇ રફુચક્કર

સુરત:પીપલોદના જય જલારામ નમકી એન્ડ ડ્રાયફ્રુટ નામના સ્ટોરમાં આવી પોતાની ઓળખ બાજુના મેડીકલ સ્ટોરના માલિક તરીકે આપી છુટા પૈસાના બહાને રૂા. 10 હજાર અને રૂા. 1800ની ખરીદી કરી રફુચક્કર થઇ જનાર ઠગ વિરૂધ્ધ ઉમરા પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

પીપલોદની ભાગ્ય લક્ષ્મી સોસાયટી 1 ના પ્લોટ નં. 7માં જય જલારામ નમકી એન્ડ ડ્રાયફ્રુટ નામના સ્ટોરમાં ગત સાંજે દુકાનદાર પ્રજ્ઞેશ કિરીટ ઠક્કર (રહે. એ 34, શ્રીનાથજી સોસાયટી, પીપલોદ) ની પત્ની ભાવિકા અને સેલ્સમેન સંતોષ હરીશચંદ્ર શાને (રહે. એસએમસી કવાર્ટસ, પીપલોદ) હાજર હતા ત્યારે કાળા કલરનું માસ્ક અને જીન્સ-ટી શર્ટ પહેરેલો યુવાન આવ્યો હતો. યુવાને પોતાની ઓળખ બાજુના અપોલો મેડીકલ સ્ટોરના માલિક તરીકે આપી ભાઇ કયાં છે ? એમ કહી રૂા. 1800ના નાસ્તાની ખરીદી કરી હતી અને પોતાની પાસે 100 રૂપિયાની નોટનું રૂા. 10 હજારનું બંડલ છે તે તમે લઇ મને 500 અને 2000 રૂપિયાની નોટ આપશો એમ કહ્યું હતું. ભાવિકાએ છુટા પૈસા લેવાની હા પાડતા તમારા સેલ્સમેનને મારી સાથે મેડીકલ સ્ટોર પર મોકલાવો હું ત્યાંથી રૂા. 10 હજાર અને રૂા. 1800નું પેમેન્ટ ચુકવી દઇશ એમ કહી સંતોષને સાથે લઇ ગયો હતો. મેડીકલ સ્ટોરની સામે પહોંચ્યા બાદ યુવાને સંતોષને નાસ્તાની થેલી સ્ટોરમાં મુકી અંદર ઉભો રહે હું ગાડીમાંથી પેમેન્ટ લઇને આવું છું એમ કહી ભાગી ગયો હતો. પંદરેક મિનીટ સુધી રાહ જોયા બાદ પણ યુવાન નહીં આવતા સંતોષે મેડીકલ સ્ટોરમાં જઇ પુછયું હતું પરંતુ તેમનો કોઇ શેઠ નહીં હોવાનું કહેતા આ અંગે તુરંત જ દુકાને જઇ ભાવિકાને જાણ કરી હતી અને પતિ સાથે સીસીટીવી ફુટેજ ચેક કરવાની સાથે તેઓ ઉમરા પોલીસ મથકે દોડી ગયા હતા. જયાં પોલીસે આવી એમઓ ધરાવતા ઠગબાજોના ફોટા બતાવતા અહેમદ રઝા યકીન તૈલી (રહે. 301, નીમ એપાર્ટમેન્ટ, હોડી બંગલા, વરિયાવી બજાર) હોવાનું ઓળખી કાઢતા પોલીસે ઠગાઇનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:42 pm IST)