Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

છત્રાલ-કડી હાઇવે પરથી પોલીસે બાતમીના આધારે ટેમ્પામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

કલોલ:છત્રાલ-કડી હાઇવે રોડ પરથી વિદેશીદારૂનો જથ્થો ભરેલો ટેમ્પો પસાર થવાની બાતમીને આધારે એલસીબીએ વોચ ગોઠવી હતી. ત્યરે પોલીસને વોચમાં જોઇને ટેમ્પો સ્થળ પર મૂકી તેનો ચાલક ભાગી છૂટયો હતો. પોલીસે ૧.૫૬ લાખનો વિદેશીદારૂ અને ટેમ્પો મળી કુલ ૪.૫૬ લાખનો મુદ્દામાલ કબ્જે લઇ ફરાર બુટલેગરની શોધખોળ શરૂ કરી છે.

જિલ્લામાં મિલકત સંબંધી બનતા ગુના અટકાવવા તથા પ્રોહી. જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા માટે રેન્જ આઇજીપી અભય ચુડાસમા અને જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ સૂચના આપી હતી. જે અનુસંધાને એલસીબી પીઆઇ જે.જી.વાઘેલાએ તેમના સ્ટાફના માણસોને સઘન પેટ્રોલિંગ કરી પ્રોહી અને જુગારના કેસો શોધી કાઢી અસરકારક કાર્યવાહી કરવા સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું. જેથી  સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વખતે છત્રાલ - કડી હાઇવે રોડ પરથી ટેમ્પો નં.જીજે-૩૮-ટી-૩૭૪૭માં વિદેશીદારૂનો જથ્થો પસાર થવાની બાતમીને આધારે એલસીબીએ વોચ ગોઠવી હતી. જો કે પોલીસને જોતા જ ટેમ્પો ચાલક ટેમ્પો સ્થળ પર મૂકી અંધારાનો લાભ લઇ ભાગી છુટયો હતો. પોલીસે ટેમ્પોની તલાશી લેતા તેમાંથી વિદેશીદારૂની ૯૮૪ નાની બોટલો તથા ૧૪૪ નંગ બિયર ટીન મળી આવ્યા હતા. પોલીસે ૧.૫૬ લાખનો વિદેશીદારૂનો જથ્થો તેમજ ત્રણ લાખની કિંમતનો ટેમ્પો મળી કુલ ૪.૫૬ લાખનો મુદ્દામાલ કબ્જે લઇ ટેમ્પો ચાલક વિરૂદ્ધ કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. 

(5:44 pm IST)