Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

રાજ્યમાં સિઝનનો 88 ટકાવરસાદ વરસ્યો : કચ્છ ઝોનમાં સૌથી વધુ : 64 જળાશયો 100 ટકાથી વધુ ભરાયા : 24 જળાશયો 25 ટકાથી ઓછા ભરાયા

રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ 88.55 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છ ઝોનમાં 150.87 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં 119.18 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે દક્ષિણ ગુજરાત ઝોનમાં 81.68 ટકા વરસાદ નોંધાયો છે. પૂર્વ મધ્ય ઝોનની વાત કરવામાં આવે તો 68.02 ટકા વરસાદ નોંધાયો છે અને ઉત્તર ગુજરાતમાં 54.21 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર સહિત 206 જળાશયો ભરાયા છે. સરદાર સરોવર ડેમમા હાલ 188394 એમસીએફટી પાણીના સંગ્રહ સાથે કુલ સંગ્રહ 56.39 ટકા જેટલો થયો છે. રાજ્યના 64 જળાશયો 100 ટકાથી વધુ ભરાયા છે. તે ઉપરાંત 64 જળાશયો એવા છે કે જે 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર સહિત 25 જળાશયો એવા છે કે જેમાં 50 થી 70 ટકા પાણી ભરાયા છે. 25 થી 50 ટકા વચ્ચે 28 જળાશયો જયારે 25 ટકાથી ઓછા ભરાયા હોય એવા 24 જળાશયો ભરાયા હોવાની માહિતી જળ સંપત્તિ તરફથી આપવામાં આવી છે. રાજ્યમાં થઈ રહેલાં વરસાદને પરિણામે 131 માર્ગો અસરગ્રસ્ત થયા છે. જેમાં પંચાયત હસ્તકના 119 માર્ગોનો સમાવેશ થાય છે. આ માર્ગો સત્વરે પૂર્વવત થાય એ માટે વહીવટી તંત્ર દ્વારા સક્રીય પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

(5:48 pm IST)