Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

સુરતમાં કોરોના સંક્રમણ વધારવા માટે રત્‍નકલાકારોને જવાબદાર ઠેરવતા ‘પોસ્‍ટર વોર': સરકાર પાસે માફીની માંગ ઉઠાવતા બેનરો લગાવાયાઃ રત્‍નકલાકારો પર આક્ષેપ થતા વિરોધનો સુરઃ માત્ર રત્‍નકલાકારો પર દોષનો ટોપલો નાંખવો યોગ્‍ય નહીઃ જયસુખ ગજેરા

સુરત: કોરોનાના અજગરી ભરડા માટે રત્નકલાકારોને જવાબદાર ઠેરવવામાં આવ્યાં છે, હાલમાં જ સરકારે કરેલી એફિડેવિટમાં આ વાતનો ખુલાસો કર્યો છે. જો કે રત્નકલાકારો પર આક્ષેપ થતાં વિરોધનો સુર ઉભો થયો છે. વરાછા, કાપોદ્રા અને કતારગામ સહિતના વિસ્તારોમાં પોસ્ટર (surat corona poster) લગાડવામાં આવ્યા છે, જેમાં સરકાર માફી માંગે તેવી માંગણી કરવામાં આવી છે.

સુરતમાં 20મી ઓગસ્ટનાં રોજ સુરત શહેરમાં 163 પોઝિટિવ કેસ નોંધાયા છે, ત્યાં જ 7 દર્દીઓના મોત થયા છે. હાલ 3062 દર્દીઓ સારવાર હેઠળ છે. સુરત શહેરમાં કોરોના પોઝિટિવની કુલ સંખ્યા 14599 છે, તો જિલ્લામાં 3858 પોઝીટીવ કેસોની સંખ્યા થઈ છે. આ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 18,457 થયો છે. ત્યારે સુરતમાં ફેલાયેલા કોરોના માટે હીરા ઉદ્યોગમાં કામ કરતાં રત્નકલાકારો જવાબદાર હોવાનું સોગંદનામું સરકાર દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવ્યું છે.

માસ્ક નહીં પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવવું, સેનેટાઇઝરનો ઉપયોગ નહીં કરવો વગેરેને કારણે સુરતમાં સંક્રમણ વધ્યું હતું, તેમાં પણ ખાસ કરીને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો જ્યાં રહે છે, ત્યાં સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે, વરાછા એ ઝોનમાં 1841, વરાછા ઝોન બીમાં 1352, કતારગામ ઝોનમાં 2890 અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ કેસો નોંધાયા છે, આમ રત્નકલાકારો જે વિસ્તારમાં વધુ રહે છે, ત્યાં કેસો વધતાં હાઈકોર્ટમાં થયેલી રીટમાં સરકારે મુકેલા જવાબમાં તે માટેના જવાબદાર રત્નકલાકારોને ગણાવ્યા છે.

જો કે સરકારના આવા સોગંદનામાંને કારણે હીરા ઉદ્યોગમાં અને તેમાં પણ ખાસ કરીને રત્નકલાકરોમાં રોષ અને સ્પષ્ટપણે નારાજગી જોવા મળી રહી છે. સરકારના આવા જવાબને પગલે વરાછા, કતારગામ, કાપોદ્રા સહિતના વિસ્તારો કે જ્યાં રત્નકલાકારો કામ કરે છે અથવા રહે છે, ત્યાં પોસ્ટર (surat corona poster) લગાડવામાં આવ્યા છે. રત્નકલાકારોની માફી સરકાર માંગે તેવી માંગ સાથે પોસ્ટર્સ લગાડવામાં આવ્યાં છે.

રત્નકલાકારો વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરાનું આ અંગે કહેવું છે કે,

“સરકાર કરતાં પણ વધુ જવાબદાર સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ છે, જેમને આ આંકડા સરકારેને આપ્યા છે, એ વાત સાચી છે કે રત્નકલાકારો અને તેમના પરિવારના લોકોમાં સંક્રમણ થયું છે, પરંતુ તે માત્ર 30 ટકા જ છે, બાકીના 70 ટકા લોકોને પણ પોઝીટીવ થયું છે, એટલે માત્ર રત્નકલાકારો પર દોષનો ટોપલો નાંખવો યોગ્ય નહીં.”

રમેશભાઈ નામના એક રત્નકલાકારે આરોપ લગાવ્યો હતો કે,

“હાલમાં સરકાર અને ભાજપના નેતાઓ કાર્યક્રમો કરી રહ્યા છે, તો શું તેઓ માટે કોઈ કાયદો નથી, તેમના કારણે પણ કોરોના ફેલાઈ રહ્યો છે, તો શા માટે રત્નકલાકારોને જ દોષી ગણવામાં આવે છે.”

(6:30 pm IST)