Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

અમદાવાદમાં ક્રિકેટના ડીજીટલ જુગારનું કારસ્‍તાન ઝડપાયુઃ ક્રિકેટ લાઇન ગુરૂ એપ્‍લિકેશન પર ચાલતા ઓનલાઇન સટ્ટાનો પર્દાફાશઃ પોલીસે ઓનલાઇન સટ્ટાનો પર્દાફાશ કરી એક યુવકને ઝડપી લીધોઃ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા અને રમતા ૩ શખ્‍સોનો ક્રાઇમ બ્રાન્‍ચે ભાંડો ફોડયો : મૂખ્‍ય સૂત્રધાર બૂકી નિતિન ઠકકર અને લાલો ફરાર

અમદાવાદઃ વેસ્ટ ઈન્ડિઝમાં રમાતી કેરેબિયન પ્રીમિયર લીગ ટવેન્ટી ક્રિકેટ મેચ પર સટ્ટો (Cricket gambling) રમાડતા અને રમતા 3 શખ્સોનો ભાંડો ક્રાઈમ બ્રાન્ચે ફોડ્યો છે. પોલીસે ક્રિકેટ લાઈન ગુરુ એપ્લિકેશન પર રમાતા ઓનલાઇન સટ્ટાનો પર્દાફાશ કરી એક યુવકને ઝડપી લીધો છે. જ્યારે મુખ્ય સૂત્રધાર બૂકી નીતિન ઠક્કર અને લાલો ફરાર છે.

વસ્ત્રાપુર તળાવ પાસે આકૃતી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ક્રિકેટ સટ્ટો ચાલતો હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ગુરુવારે રાત્રે 10 વાગ્યે સ્થળ પર જઈ તપાસ કરી હતી. પોલીસ તપાસમાં એક યુવક મોબાઈલ ફોનમાં ક્રિકેટ લાઈન ગુરુ એપ્લિકેશન ચાલુ કરી વેસ્ટ ઈન્ડિઝમાં રમાતી કેરબિયન પ્રીમિયર લીગ ટવેન્ટી ક્રિકેટ મેચના ઓનલાઈન ભાવ જાણી ઓનલાઇન સટ્ટો (Cricket gambling) રમી રહ્યો હતો.

પોલીસે યુવકને કોર્ડન કરી પૂછપરછ કરતા તેનું નામ વિશાલ ઉર્ફ ભૂરો કેશુભાઈ હિરપરા (ઉં,32)રહે બાલાજી પાર્ક એપાર્ટમેન્ટ,ગુરૂકુળ રોડ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ તપાસમાં વિશાલે કબૂલાત કરી કે તે પોતે ઓનલાઇન ભાવ જોઈ મેચ અને સેશનના દાવ લગાવી ગ્રાહકો સાથે ઓનલાઇન હારજીત કરે છે. જે સોદા તે નીતિનભાઈ ઠક્કર પાસે કપાવે છે. હાર જીતમાં નીતિનભાઈ 50 ટકાના ભાગીદાર છે. વસ્ત્રાપુર તળાવ પાસે દર સોમવારે હાર જીતનો હિસાબ થઈ જાય છે.

નીતિનભાઈ ઠક્કર પાસેથી વિશાલએ golden exch 99 એપ્લિકેશન પંદર દિવસ પહેલાં લીધી હતી. જે એપ્લિકેશનમાં નીતિન ઠક્કર જરૂર મુજબ બેલેન્સ કરાવતો હતો. હાલમાં વિશાલની golden exch એપ્લિકેશનનું બેલેન્સ રૂ. 2,61,876 હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે વિશાલ વિરૂદ્ધ કાર્યવાહી કરી ફરાર આરોપી નીતિન ઠક્કર અને લાલાની શોધખોળ હાથ ધરી છે.

(6:41 pm IST)