Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

૮ બોગસ કંપની નોંધાવીને કૌભાંડ આચરનાર ઝડપાયો

જીએસટી દ્વારા બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ : ૩૦૪ કરોડના સીંગદાણા વેચી દીધા પણ સરકારમાં એક રૂપિયાનો ટેક્સ ન ભરીને ૧૫.૨૧ કરોડનો ચુનો લગાવ્યો

અમદાવાદ, તા. ૨૧ : જીએસટીના અમલ બાદ બોગસ બિલિંગ કૌભાંડના હબ બની રહેલા ગુજરાતમાં વધુ એક ૩૦૪.૧૭ કરોડ રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે. સ્ટેટ જીએસટીના અધિકારીઓ સૌરાષ્ટ્રના બોગસ બિલિંગ કૌભાંડના માસ્ટર માઇન્ડ સંજય મશરૂની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે. સંજયે બોગસ કંપની રજિસ્ટર્ડ કરાવી રૂપિયા ૩૦૪.૧૭ કરોડના બિલ વગરના સીંગદાણા વેચી દઈ સરકારને ૧૫.૨૧ કરોડ નો ચુનો લગાવ્યો છે. પ્રકરણમાં અમદાવાદ સહિત રાજ્યભરના જે વ્યાપારીઓએ સંજય પાસેથી સીંગદાણા ખરીદ્યા હશે તેમને ત્યાં તપાસનો રેલો પહોંચશે.

સ્ટેટ જીએસટીના અધિકારીઓ દ્વારા બોગસ બિલિંગ કૌભાંડ ડામી દેવા માટે મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં તેમને માહિતી મળી હતી કે સૌરાષ્ટ્રમાં સીંગદાણાના વેપારીઓ બિલ વગર ધંધો કરી રહ્યા છે. જ્યારે ઘણા વેપારીઓ કોઈપણ પ્રકારનો ધંધો કર્યા વગર બોગસ બિલ જનરેટ કરી રહ્યા છે અને ઘણા વેપારીઓ  આવા તત્વો પાસેથી માત્ર બિલ લઈને જીએસટી કચેરીમાં રજૂ કરી રહ્યા છે.

વિગતોને આધારે ડિપાર્ટમેન્ટ દ્વારા જુનાગઢ માણાવદર કેશોદ ધોરાજી તથા માંગરોળમાં સીંગદાણાના મોટા પાયે વેપાર કરતી ૩૫ થી વધુ પેઢીઓમાં સર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં સંજય મશરૂની પેઢીઓ દ્વારા મોટાપાયે બોગસ બિલિંગ કરવામાં આવી હોવાનું તથા મોટા પ્રમાણમાં બિલ વગરનો સિંગદાણાનો જથ્થો મોટા વેપારીઓને ત્યાં પહોંચાડવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી હતી. વિગતોને આધારે જીએસટી ના અધિકારીઓ સંજય મશરૂની રજીસ્ટર કંપનીઓના હિસાબો ચેક કરતા તેણે તમામ કંપનીઓ પોતાના ત્યાં કામ કરતાં માણસો કે જરૂરિયાત મંદ શ્રમજીવીઓના નામે રજિસ્ટર કરાવી હતી. કંપનીઓ દ્વારા સંજય રૂપિયા ૩૦૪.૧૭ કરોડનો બોગસ બિલિંગ કૌભાંડ આચરી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું સંજયે કૌભાંડ  કરી સરકારને ૧૫.૨૧ કરોડનો ચૂનો લગાવ્યો હતો. ડિપાર્ટમેન્ટ દ્વારા સંજય મશરૂની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદના પણ ઘણા વેપારીઓએ સંજય પાસેથી બિલ વગરના સીંગદાણા ખરીદયા હોવાથી તપાસનો રેલો તેમના સુધી પહોંચશે.

બોગસ કંપની અને તેમાં કરેલા કૌભાંડની વિગત

          જલારામ ટ્રેડિંગ કંપની  રૂપિયા ૧૫.૯૦ કરોડ

          શ્રીનાથજી એન્ટરપ્રાઇઝ ૨૦.૮૯ કરોડ

          મારુતિ ટ્રેડિંગ કંપની   ૧૭.૧૪ કરોડ

          રઘુવીર ટ્રેડિંગ કંપની   ૧૧૩.૬૫ કરોડ

          તીર્થ ટ્રેડિંગ કંપની    ૧૩.૩૯ કરોડ

          રોયલ એન્ટરપ્રાઇઝ    ૭૧.૦૫ કરોડ

          દુર્ગા ટ્રેડિંગ કંપની    ૩૨.૦૨ કરોડ

          કૃષ્ણ ટ્રેડિંગ કંપની    ૨૦.૦૯ કરોડ

(7:49 pm IST)