Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

વરસાદથી ડાંગરના પાકને ૧૦૦ કરોડ રૂ.નું નુકસાન

દક્ષિણ ગુજરાતના ખેડૂતોની કફોડી હાલત : ગુજરાત ખેડૂત સમાજ દ્વારા સરકારને પાક વીમા હેઠળ નુકસાનનું વળતર આપવા માટે માગણી કરવામાં આવી

સુરત, તા.૨૧ : એક સપ્તાહથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ધોધમાર વરસાદને કારણે ખેડૂતોની દશા કફોડી થઈ ગઈ છે. ખાસ કરીને ચોમાસું ડાંગર પકવતા ખેડૂતોનો પાક પાણીમાં ગરકાવ થતા મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. એક અંદાજ મુજબ દક્ષિણ ગુજરાતના ખેડૂતોના ૧૦૦ કરોડના ડાંગરના પાકને નુકસાન થયુ છે. જેને લઈને દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા સરકારને પાક વીમા હેઠળ નુકસાન વળતર આપવા માટે માંગણી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલના જણાવ્યા પ્રમાણે, એક અઠવાડિયામાં વરસેલા વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતના ડાંગરના ઉભા પાક પર પાણી ફરી વળતાં મોટું નુકસાન થયું છે. હાલ ડાંગરની સિઝનના કારણે એક અંદાજ પ્રમાણે રૂ.૫૦૦ કરોડથી વધુના ડાંગર તૈયાર થતાં હોઈ છે. પ્રથમ મોટા ઝાપટાના કારણે ૨૫ ટકા પાક એટલે કે રૂ.૧૦૦ કરોડનુ ૨થી લાખ ખેડૂતોને નુકસાન થઈ ચૂક્યું છે. સરકાર દ્વારા અનલોક-૨ના સમયગાળા દરમિયાન ખેડૂતોના પાકને નુકસાન સામે વળતર આપવાની યોજના જાહેર કરવામાં આવી હતી.

                જોકે, યોજનાની શરતો હેઠળ અમુક મર્યાદાથી વધુ વરસાદમાં પાકને થયેલા નુકસાન પર સરકાર વળતર આપી રહી છે. દક્ષિણ ગુજરાતમાં ૯થી ૧૦ ઈંચ વરસાદમાં પાકને મોટું નુકસાન થયું છે. ત્યારે આવનારા દિવસમાં વધુ વરસાદ પડે તો વધુ પાકને નુકસાન થાય તેવી ચિંતા સેવાઈ રહી છે. આવા સંજોગોમાં સરકાર ખેડૂતોને કોરોના પછીના કપરા સમયમાં મદદ કરે તેવી અમારી રજૂઆત છે. ઉલ્લેખનીય છેકે દક્ષિણ ગુજરાતનો મુખ્યપાકજ શેરડી અને ડાંગર છે. જો એમા નુકસાન આવે તો ખેડુતોની હાલત કફોડી થાય છે.

(7:52 pm IST)