Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનો આખરે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય : ધોરણ 10ના ગણિતના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે : અગાઉ નો ઠરાવ રદ કર્યો

અમદાવાદ: CBSEમાં ધો.10 મેથેમેટિક્સ બેઝિક સાથે પાસ કરનારા વિદ્યાર્થીઓને GSEBની શાળાઓમાં ધો.11 ( વિજ્ઞાન પ્રવાહ )માં પ્રવેશ નહીં આપવા અંગેના અગાઉ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે કરેલા ઠરાવને રદ કર્યો છે. તેની સાથે આ વિદ્યાર્થીઓને 2020-21ના શૈક્ષણિક વર્ષ પુરતું ધો.11 ( વિજ્ઞાન પ્રવાહ )માં માત્ર બીગ્રુપમાં પ્રવેશ આપવા રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને હુકમ જારી કર્યો છે. આ અંગે શાળાઓને જાણ કરવા તાકીદ કરાઇ છે.

CBSEમાં ધો.10માં વિદ્યાર્થીઓને ગણિત વિષયમાં મેથેમેટિક્સ બેઝિક અને મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડ એવા બે વિકલ્પો આપવામાં આવે છે. જયારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં હાલમાં ધો.10 ગણિત વિષયમાં મેથેમેટિક્સ બેઝિક અને મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડ જેવા કોઇ વિકલ્પ વિદ્યાર્થીઓને આપવામાં આવતા નથી. જેથી સીબીએસઇમાંથી ધો.10માંથી મેથેમેટિક્સ બેઝિક સાથે અભ્યાસ કરેલા વિદ્યાર્થીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળામાં ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ આપી શકાય નહીં તેવો નિર્ણય કર્યો હતો.

નિર્ણય અંગે પુન: વિચારણાં કરવા માટે વાલીઓ તરફથી મળેલી રજૂઆતને ધ્યાનમાં લઇને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ગઈકાલે તા.20મીના રોજ મળેલી બોર્ડની શૈક્ષણિક સમિતિની બેઠકમાં વિશદ્દ ચર્ચા વિચારણાંના અંતે અગાઉનો ઠરાવ રદ કર્યો છે. અને જે વિદ્યાર્થીઓએ સીબીએસઇ બોર્ડમાંથી ધો.10માંથી મેથેમેટિક્સ બેઝિક સાથે અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓમાં કોવિડ 19ની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇને શૈક્ષણિક વર્ષ 2020-21 પુરતું જ ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં માત્ર બી ગ્રુપમાં પ્રવેશ આપવા આદેશો કર્યા છે.

(8:24 pm IST)