Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

સુરતના બે અલગ-અલગ દુષ્કર્મના કેસોના આરોપીને ૨૦-૨૦ વર્ષની સજા ફટકારતી સુરતની સેસન્સ કોર્ટ પિતાએ પુત્રીને અશ્લીલ ફિલ્મો દેખાડી દુષ્કર્મ આચરેલ બીજા બનાવમા બનેવીએ સાળી ઉપર દુષ્કર્મ ગુજારેલ

સુરત: બે અલગ અલગ કેસમાં પોકસો કોર્ટે આરોપીઓને 20-20 વર્ષની સજા ફટકારી છે, જેમાં એક કેસમાં ભોગ બનનાર કિશોરીના બનેવીએ બળાત્કાર કરી ગર્ભવતી બનાવી હતી, જ્યાં બીજા કિસ્સામાં ખુદ પિતા જ પોતાની દીકરીને હવસનો શિકાર બનાવતો હતો.

સુરત જિલ્લાની પોકસો કોર્ટના ખાસ વકિલ કિશોર રેવલિયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે રાંદેર પોલીસ મથકમાં માર્ચ 2019માં એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં પત્નીએ પોતાના પતિ રમેશ જૈસર વિરુદ્ધ પોકસો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. પત્નીનો આરોપ હતો કે પતિ છેલ્લા બે વર્ષથી 13 વર્ષની દિકરી સાથે જબદસ્તી શારીરિક સબંધ બાંધતો હતો.

રમેશ પોતાની દિકરીને મોબાઈલ ફોનમાં અશ્લિલ ફિલ્મો બતાવી શારીરિક સંબધ બાંધતો હતો, સાથે જ કોઈને પણ નહીં કહેવાની ધમકી પણ આપતો હતો. જોકે તે સમયે સુરતમાં આવી અનેક ઘટના બનતાં પોલીસ અને એનજીઓ દ્વારા સેઈફ હોમ, સેઈફ સ્ટ્રીટ પોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામ થકી બાળકોને સ્કૂલમાં ગુડ ટચ, બેડ ટચ વિશે માહિતી આપવામાં આવતી હતી. પોતાની સાથે થતી ખોટી હરકતો અંગે ખ્યાલ આવતા કિશોરીએ પોતાની શાળાના આચાર્યને પોતાના પિતાની હરકતો અંગે જાણકારી આપી હતી.

આચાર્યે એનજીઓ અને ચાઈલ્ડ વેલ્ફેર વિભાગને જાણ કરી પૂછપરછ કરી હતી. ઘટનાં અંગે કિશોરીની માતાને પણ જાણ કરી હતી. માતાએ હિંમત ભેગી કરી રાંદેર પોલીસમાં ગુનો દાખલ કરાવી પતિ રમેશની ધરપકડ કરાવી હતી. એક વર્ષથી આ કેસ સુરતની પોકસો કોર્ટમાં ચાલી રહ્યો હતો, જેમાં તમામ સાક્ષીઓ અને પુરાવા તથા ભોગ બનનાર કિશોરીના નિવેદનોને આધારે નામદાર સ્પેશિયલ પોકસો કોર્ટના એડિ. સેસન્સ જજ પી એસ કાલાએ આરોપી પિતાને 20 વર્ષની કેદ અને આર્થિક દંડની સજા ફટકારી છે.

બીજા એક કેસમાં પણ કિશોરી પર બળાત્કાર કરી ગર્ભવતી બનાવનાર આરોપીને 20 વર્ષની સજા ફટકારી હતી. સરકારી વકિલ કિશોર રેવલિયાના જણાવ્યા અનુસાર એક વર્ષ અગાઉ ખટોદરા પોલીસ મથકમાં પોકસો અને બળાત્કાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં એક કિશોરીની માતાએ ફરિયાદ નોંધાવી હતી કે તેમની ત્રણ દીકરા અને ત્રણ દીકરીઓ પૈકી બીજા નંબરની દીકરીની શારીરિક સ્થિતિ છેલ્લા કેટલાક સમયથી સારી રહેતી ન હતી.

કિશોરી 14 વર્ષની હોવાથી તેની માસિક પણ આવતું બંધ થઈ ગયું હતું, સાથે જ તેનું પેટ સામાન્ય કરતાં મોટું દેખતાં સ્મિમરે હોસ્પિટલમાં કિશોરીનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું. મેડિકલ પરીક્ષણમાં કિશોરીને પેટમાં ગર્ભ જણાઈ આવ્યો હતો, જેને પગલે માતા અને પરિવારજનોની પૂછપરછમાં કિશોરીએ કહ્યું હતું કે પોતાની મોટી બહેનના પતિ ડબ્લુસિંગ દ્વારા એક વર્ષ અગાઉ તેની સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હતો.

ઘરમાં કિશોરી એકલી હતી ત્યારે ડબલુસિંગ આવ્યો હતો, તેને કિશોરીને ઘેનવાળું લીંબુ સરબત પીવડાવ્યું હતું. કિશોરી સાથે બળાત્કાર બાદ તેને કોઈને પણ આ ઘટના વિશે કોઈ વાત કરી ન હતી. સમગ્ર ઘટનાનો ખુલાસો થતાં પોલીસે જીજા ડબલુસિંગની ધરપકડ કરી હતી. આ કેસ પોકસો કોર્ટમાં ચાલતાં નામદાર સ્પેશિયલ પોકસો કોર્ટના એડિ. સેસન્સ જજ પી એસ કાલા દ્વારા તમામ સાંયોગિક પુરાવા, સાક્ષીઓના નિવેદનોને આધારે આરોપી ડબલુસિંગને 20 વર્ષની સજા ફટકારી હતી.

(8:35 pm IST)