Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

દેવગઢબારીયાના ‘આપ'ના ઉમેદવાર સામે ૨૦ થી વધુ ગુન્‍હા હોવાનું ખુલતા રાજકીય ગરમાવો

અમદાવાદ,તા. ૨૧ : ગુજરાતમાં થોડા દિવસોમાં જ વિભાનસભા ચૂંટણી યોજાવાની છે. જેને લઈને તમામ રાજકીય પાર્ટીઓ તૈયારીમાં લાગી ગઈ છે. ગુજરાતમાં આ વખતે ચૂંટણીના મેદાનમાં ઉતરવા જઈ રહેલી આમ આદમી પાર્ટીએ અત્‍યાર સુધીમાં ૨૯ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેમાં એક બાદ એક ઉમેદવારો વિવાદમાં સપડાઈ રહ્યા છે. ત્‍યારે હાલમાં જ કોંગ્રેસમાંથી AAPમાં જોડાયેલા દેવગઢબારીયા બેઠકના ઉમેદવાર ભારતસિંહ વાખળા  ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્‍યું છે.

દેવગઢ બારીયા બેઠકના AAPના ઉમેદવાર ભારતસિંહ વાખળા પર ૨૦થી વધુ ગુના દાખલ થયેલા છે. જેમાં દારૂની હેરાફેરી, મારામારી, લૂંટ, મર્ડર, હત્‍યાનો પ્રયાસ, ફાયરિંગ સહિતના ગુનાની ફરિયાદ દેવગઢબારીયા, પંચમહાલ સહિતના જુદા જુદા પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલી છે. હાલમાં જ તેમની સામે વિદેશી દારૂના ગુનામાં પાસા થઈ હતી અને જેલમાંથી છૂટીને આવ્‍યાના ૧૨ દિવસમાં જ પત્‍ની સાથે આડા સંબંધોની અદાવતમાં બે વ્‍યક્‍તિઓની બાઈકને સ્‍કોર્પિયોથી ટક્કર મારી ભાગી ગયા હતા. જે બાદ તેમને પકડીને કોર્ટમાં રજૂ કરતા ધાનપુર કોર્ટે તેમને દાહોદની ડોકી સબજેલમાં મોકલી દીધા હતા.

ભારતસિંહ વાખળા વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી લડ્‍યા હતા. જેમાં તેમની ભાજપના બચુભાઈ ખાબડ સામે હાર થઈ હતી. તાજેતરમાં જ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. એવામાં તેમની ગુનાહિત ઈતિહાસ આગામી સમયમાં આમ આદમી પાર્ટીને નુકસાન કરી શકે છે. એક તરફ આમ આદમી પાર્ટી પોતે સ્‍વચ્‍છ અને ઈમાનદાર છબી ધરાવતી હોવાનો દાવો કરે છે, જયારે બીજી તરફ પાર્ટીની જ ટિકિટ પરથી લડનારા ઉમેદવારો એક બાદ એક વિવિધ વિવાદોમાં સપડાઈ રહ્યા છે.

નોંધનીય છે કે આ પહેલા AAPના અસારવા તથા વેજલપુરના ઉમેદવાર પણ વિવાદમાં સપડાઈ ચૂક્‍યા છે. જેમાં અસારવા બેઠકના ઉમેદવાર જે.જે ચાવડા સામે ૩૦૦ કરોડની અપ્રમાણસર મિલ્‍કતના આક્ષેપ સાથે મોડાસા કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જયારે વેજલપુરના ઉમેદવાર કલ્‍પેશ પટેલની દારૂ તથા હુક્કા સાથેની તસવીરો વાઈરલ થઈ હતી.

(11:28 am IST)