Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ઓસ્‍કારમાં નોમિનેટ થયેલ ગુજરાતી ફિલ્‍મ ‘છેલ્લો શો'ના નિર્માતા નલિનકુમાર પંડયાની રોમાંચક સફરઃ ચા વેચવાથી માંડીને ફિલ્‍મ નિર્માણ સુધીનું કાર્ય

મુંબઇમાં કામની કદર ન થતા અમેરિકા, બ્રિટન, યુરોપ જતા રહ્યા હતા

અમદાવાદઃ ગુજરાતી ફિલ્‍મ ‘છેલ્લો શો'ને ઓસ્‍કાર એવોર્ડ માટે નોમીનેટ કરાઇ છે ત્‍યારે તેના ડાયરેક્‍ટર નલિનકુમાર પંડયાની ઓસ્‍કાર સુધીની સફર ખુબ જ રોમાંચક રહી છે.

ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શૉ’ને ભારત તરફથી સત્તાવાર રીતે 95માં એકેડમી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી છે. આ ગુજરાતી ફિલ્મનું ડિરેક્શન મૂળ અમરેલીના પાન નલિને કર્યું છે. સૌરાષ્ટ્રના નિમ્ન મધ્યમવર્ગના પરિવારનો છોકરાની ઑસ્કર સુધીની સફર ખૂબ જ રોમાંચક રહી છે. પોતાની ફિલ્મ છેલ્લો શૉ ઑસ્કર માટે નોમિનેટ થવા બદલ ડિરેક્ટર પાન નલિને જણાવ્યું કે, મેં આ વિશે ક્યારેય વિચાર્યું પણ નહતુ. છેલ્લો શૉને સમગ્ર વિશ્વભરમાંથી પ્રેમ મળી રહ્યો છે. આ સાથે જ તેમણે ફિલ્મ ફેસ્ટિવલ ઈન્ડિયા અને જ્યૂરીનો આભાર માન્યો છે.

નલિનકુમાર પંડ્યા કઈ રીતે બની ગયા પાન નલિન-

નલિન પંડ્યાએ ફિલ્મ ડિરેક્ટર બનવામાં ખૂબ જ સંઘર્ષ કર્યો હતો. શરૂઆતમાં તેમને સફળતા નહતી મળી.આમ છતાં હિંમત હાર્યા વગર તેઓ મહેનત કરતા રહ્યા હતા. 1991માં 15 મિનિટની ખજુરાહો નામની શૉર્ટ ફિલ્મનું નિર્માણ કર્યુ. આ ફિલ્મે પાન નલિનને ઈન્ટરનેશન ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચાડી દીધા. જ્યાં તેમની મુલાકાત અનેક યુરોપિયન ફિલ્મમેકર્સ સાથે થઈ. જે બાદ યુરોપિયન ફિલ્મમેકરો સાથે મળીને ડૉક્યુમેન્ટ્રી ફિલ્મો બનાવવા લાગ્યા. ફિલ્મો બનાવતા-બનાવતા તેઓ નલિનકુમાર પંડ્યાને પાન નલિન તરીકે બોલાવવા લાગ્યા. બસ આમ નલિનકુમાર પંડ્યા બની ગયા પાન નલિન. આજની તારીખમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ જગત, ખાસ કરીને યુરોપમાં પાન નલિન ખૂબ જ મોટા ફિલ્મ મેકર્સ તરીકે ઓળખાય છે.

કોણ છે પાન નલિન?

નલિનકુમાર રમણિકલાલ પંડ્યા ઉર્ફે પાન નલિન મૂળ અમરેલીના અડતાલા ગામના છે. ‘સમ્સરા’, ‘વેલી ઑફ ફ્લાવર્સ’, ‘એન્ગ્રી ઇન્ડિયન ગોડેસિસ’ જેવી ફિલ્મોથી પાન નલિનને દેશ-વિદેશમાં લોકચાહના મળી છે. 2002થી વાત કરીએ તો, અત્યાર સુધીમાં તેમને 16થી વધારે એવોર્ડ મળ્યા છે.

પિતા સાથે ચા વેચતા હતા નલિન:

રસપ્રદ વાત એ છે કે, તેઓ 12 વર્ષની ઉંમરમાં ખિજડીયા રેલવે સ્ટેશન પર તેમના પિતા સાથે ચા વેચતા હતા. સિનેમામાં કરિયર બનાવવા માટે પાન નલિને નાની વયે ઘર છોડી દીધું હતું. જે બાદ તેણે એમએસ યુનિવર્સિટીમાં ફાઈન આર્ટ્સનો અભ્યાસ કર્યો અને પછી તેમણે નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઈન (અમદાવાદ) ખાતે અભ્યાસ કર્યો હતો.

પૈસા માટે લગ્નના વીડિયો બનાવતા હતાઃ

પોતાના અભ્યાસ માટેની પૈસાની જરૂરિયાતને પૂરી કરવા માટે નલિને 50 વેડિંગ વીડિયો પણ બનાવ્યા હતા. આ ઉપરાંત તેણે 20 શોર્ટ ફિલ્મ અને એનિમેશન ફિલ્મ પણ બનાવી હતી. NIDમાં અભ્યાસ કર્યા પછી તેમણે બે વર્ષ સુધી ભારતભ્રમણ કર્યું હતું.

કારકિર્દીની શરૂઆતઃ

કરિયરના પ્રારંભમાં નલિને મુંબઈમાં કામ કર્યું હતું. અહીં પોતાના કામની કદર ન થતા તેઓ એક વર્ષ માટે અમેરિકા અને બ્રિટન જતા રહ્યા. જે બાદ 6 મહિના તેઓ યુરોપમાં પણ રહ્યા. ભારત પરત ફરીને તેમણે સ્ક્રીપ્ટ લખવાની સાથે ડોક્યુમેન્ટરી પણ બનાવી.

નલિને આમાની કેટલિક ડોક્યુમેન્ટરી ડિસ્કવરી, કેનલ પ્લસ, બીબીસી અને આંતરરાષ્ટ્રીય ટીવી નેટવર્ક માટે બનાવી હતી. નલિનના કામથી ફ્રેન્ચ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માતા યોલાન્ડે ઝૌબરમેન પ્રભાવિત થયા હતા અને તેણે નલિનને તેની ‘બોર્ન ક્રિમિનલ ઈન ઈન્ડિયા’ ડોક્યુમેન્ટરીમાં કો-પ્રોડ્યુસર બન્યા હતા. આ ફિલ્મને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એન્ટ્રી મળી હતી. બસ અહીંથી નલિન સફળતાની શરૂઆત થઈ.

પાન નલિનનો ફિલ્મી સંઘર્ષ-

‘સમસારા’ અને ‘વેલી ઑફ ફ્લાવર્સ’ જેવી સફળ ફિલ્મોના ડિરેક્ટર પાન નલિનને ભલે ભારતીય ફિલ્મ ડિરેક્ટરના માનવામાં આવતા હોય, પરંતુ તેમની ફિલ્મોને યુરોપ સહિત સમગ્ર વિશ્વમાં વખાણવામાં આવી છે. આટલું જ નહીં પાન નલિનની ફિલ્મોને અનેક આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મળી ચૂક્યાં છે. તેઓ લેખક, ફિલ્મ ડિરેક્ટર, ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ મેકર છે.

અત્યાર સુધીમાં તેઓએ કુંભ મેળા, ધી નાગાસ કાલ સહિત લગભગ 15 જેટલી ડેક્યુમેન્ટ્રી ફિલ્મો બનાવી છે. તેમની પ્રથમ ફિલ્મ સમસારા લદ્દાખી ભાષામાં હતી. જેણે 130 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. પાન નલિને હિન્દી સિનેમામાં 20થી વધુ શૉર્ટ ફિલ્મનું ડિરેક્શન અને પ્રોડક્શન કર્યું. તેમણે હિન્દી સિને જગતમાં 2001ની ફિલ્મ સમસારાથી મળી હતી જે બાદ તેઓએ વેલી ઑફ ફ્લાવર્સને ડિરેક્ટ કરી હતી.

(4:53 pm IST)