Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં કોમ્પ્લેકસના પાછળના વિસ્તારમાં 12 લાખના દાગીના ભરેલ બેગની ચીલઝડપ થતા પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી

અમદાવાદ: ચાંદલોડીયા વિશ્વકર્મા મંદીર સામેના કોમ્પ્લેક્સ પાછળ આવેલા પાન પાર્લર પર સોમવારે બપોરે બાર લાખના દાગીના ભરેલી બેગની ચિલઝડપ થઈ હતી. પાણીની બોટલ લેવા એક્ટિવા ઉભું રાખ્યું તે સમયે આરોપીઓએ ટાર્ગેટ કરી સેલ્સમેનને ધક્કો મારી બેગ આંચકી હતી. સીજી રોડ પરના સુપર મોલમાં આવેલા વિશ્વા ગોલ્ડના સેલ્સમેનો વેપારીનો ઓર્ડર આવતા દાગીના બતાવવા નીકળ્યા હતા.   વિશ્વા ગોલ્ડના સેલ્સમેન કલ્પેશ અમૃતલાલ કંસારા રહે,ઘોડાસરે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. જે મુજબ કલ્પેશભાઈ અને તેમની સાથે નોકરી કરતા વિમલ પટેલ બંને જણા એક્ટિવા પર વેપારીને દાગીના બતાવવા માટે નીકળ્યા હતા. દરમિયાનમાં બપોરે અઢી વાગ્યે તરસ લાગતા પાણીની બોટલ લેવા માટે એક્ટિવા ઉભી રાખી હતી. વિમલભાઈ પાણીની બોટલ લેવા ગયા જ્યારે કલ્પેશભાઈ એક્ટિવા પર હાજર હતા.   તે સમયે પાછળથી આવેલા પ્લસર બાઈક પર સવાર બે શખ્સે કલ્પેશભાઈને ધક્કો મારી નીચે પાડી દીધા દાગીના ભરેલી બેગ આંચકી લીધી હતી. પોલીસ તપાસમાં ૨૫ નંગ સોનાના ડોકીયા અને ૨૫ નંગ બુટ્ટીઓ મળીને રૂ.૧૨,૩૩,૨૯૮ની મત્તાના દાગીના હતા. સોલા પોલીસે કલ્પેશ કંસારાની ફરિયાદ આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બંને કર્મચારી આરોપીઓને પકડવા માટે પાછળ દોડયા પણ સફળ થયા ન હતા. 

(5:25 pm IST)