Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

વિસનગરના 24 ગામમાં ભાજપ માટે પ્રવેશબંધી : વિપુલ ચૌધરીની જેલમુક્તિ માટે બાસણા ગામમાં મહા સંમેલન

બાસણા ગામમાં અર્બુદા ધામમાં સદભાવના યજ્ઞ અને મહા સંમેલનમાં 50 હજાર કરતા વધુ લોકો ઉમટી પડે તેવી શક્યતા

અમદાવાદ :વિપુલ ચૌધરીની દૂધસાગર ડેરીમાં સાગરદાણ કૌભાંડ મામલે ધરપકડ પછી ઉત્તર ગુજરાતમાં આંજણા સમાજ રોષે ભરાયો છે. મહેસાણાના વિસનગર તાલુકાના 24થી વધારે ગામના લોકોએ ભારતીય જનતા પાર્ટી (BJP) સામે રોષ વ્યક્ત કર્યો છે અને ગામમાં ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધી કરી દીધી છે.

અર્બુદા સેના દ્વારા વિસનગરના ગામોમાં ભાજપને જાહેર નોટીસ ફટકારવામાં આવી છે. આંજણા ચૌધરી સમાજનું મહેસાણા જિલ્લાનું વિસનગર તાલુકામાં ઠેર ઠેર બેનર લગાવવામાં આવ્યા છે કે, અમે અર્બુદા સેનાના, ગુજરાત રાજ્યના અધ્યક્ષ વિપુલ ચૌધરીની ખોટી ધરપકડને વખોડીએ છીએ અને જ્યાં સુધી અમારા નેતા મુક્ત ના થાય ત્યાં સુધી ભાજપના તમામ નેતા, મંત્રી, આગેવાનને ગામમાં પ્રવેશવા દેવામાં આવશે નહિ, જેની નોંધ લેવી.

વિસનગરમાં આંજણા ચૌધરી સમાજે વિપુલ ચૌધરી ધરપકડ થતા વિરોધ નોંધાવ્યો છે અને ગામમાં બેનર લગાવડાવ્યા છે. વિસનગર તાલુકાના બાસણા, ચિત્રોડીપુરા, મેઘા અલિયાસણા, ગુંજાળા, તરભ, પાલડી, ગુંજા, ઉદલપુર, બાકરપુર, રંગાકુંઇ સહિતના 24 ગામમાં ભાજપના પ્રવેશ બંધીના બેનર લગાવવામાં આવ્યા છે.

ગુંજા ગામના આંજણા ચૌધરી સમાજના લોકોએ કહ્યુ કે, અમારા વિપુલ ભાઇનો કોઇ વાંક ગુનો નથી, એમણે ખોટા કેસમાં સંડોવીને જેલમાં પુરવામાં આવ્યા છે, અમે ગમે તેમ કરીને તેમણે છુટા કરાવીશું. ભાજપના કોઇ નેતાએ ગામમાં પ્રવેશવુ નહી, આવશે તો અમે ધોકાવાળી કરીશું.

વિસનગરના બાસણા ગામમાં અર્બુદા ધામમાં સદભાવના યજ્ઞ અને મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ છે. આ મહા સંમેલનમાં 50 હજાર કરતા વધુ લોકો ઉમટી પડે તેવી શક્યતા છે. આ યજ્ઞમાં વિપુલ ચૌધરીને જેલમાંથી છોડાવવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવશે.

(6:28 pm IST)