Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

અમદાવાદ માં ડેન્ગ્યુએ ભરડો લીધો : એક વર્ષમાં કેસમાં પાંચ ગણો વધારો

શહેરમાં ચિકનગુનિયાના પણ ઘેર ઘેર કેસ; આરોગ્ય તંત્રમાં દોડધામ

અમદાવાદ :શહેરમાં ડેન્ગ્યુએ ભરડો લીધો છે. ગયા વર્ષે આખા વર્ષ દરમિયાન ડેન્ગ્યુના માત્ર 432 કેસ નોંધાયા હતા, જ્યારે આ વર્ષે ફકત 10 મહિનામાં 1,962 કેસ, એટલે કે ડેન્ગ્યુના કેસમાં પાંચ ગણો વધારો થયો છે. બીજી તરફ, શહેરમાં ચિકનગુનિયાના પણ ઘેર ઘેર કેસ જોવા મળી રહ્યા છે. મ્યુનિ.ના આંકડા મુજબ, શહેરમાં ચાલુ મહિને ફકત 123 ચિકનગુનિયાના કેસ નોંધાયા છે, જ્યારે સિવિલ, સોલા સિવિલ અને મ્યુનિ. સંચાલિત જુદી જુદી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં એના કેસોની સંખ્યા ઘણી વધારે છે. 
ડેન્ગ્યુ મચ્છરજન્ય રોગ છે, એ ચેપી રોગ નથી. ડેન્ગ્યુ વાઈરસ ધરાવતા મચ્છરના કરડવાથી એનો ફેલાવો થતો હોય છે. તાવ આવે, ઠંડી લાગવી, માથાનો દુખાવો, આંખની હલનચલન કરતાં દુખે વગેરે જેવાં ડેન્ગ્યુનાં લક્ષણો છે. પાણીની ટાંકી, બાંધકામની સાઈટ, એરકૂલર વગેરે જેવી જગ્યાઓ પર મચ્છરોનો ઉપદ્રવ વધુ જોવા મળતો હોય છે. શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો થતાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ચાલુ મહિને 43 હજારથી વધુ લોહીના નમૂનાની તપાસ કરી છે.

  આ ઉપરાંત 2,262 સીરમ સેમ્પલની પણ તપાસ કરવામાં આવી છે. શહેરમાં પાણીજન્ય રોગોએ પણ માઝા મૂકી છે. છેલ્લા 10 મહિનામાં ઝાડા-ઊલટીના 3,001 કેસ સામે આવ્યા છે તેમજ કોલેરાના 64 કેસ નોંધાયા છે. ચાલુ વર્ષે જુદા જુદા વિસ્તારોમાંથી પાણીનાં 8,209 સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલાયાં હતાં. કોર્પોરેશના આરોગ્ય વિભાગના હેલ્થ ઓફિસર ડો. ભાવિન સોલંકીના જણાવ્યા મુજબ, શહેરમાં ડેન્ગ્યુના કેસો ઘટયા છે. ચાલુ માસમાં 16 જ દિવસમાં 312 જ કેસો નોંધાયા છે, જે જોતાં એના કેસો હાલમાં ઘટ્યા હોય એવું જણાય છે. 1 ઓક્ટોમ્બરથી 16 ઓક્ટોમ્બર સુધીના સમયગાળા દરમિયાન મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 312, ચિકનગુનિયાના 123, સાદા મલેરિયા 45 કેસો, ઝેરી મલેરિયાના 6 કેસ નોંધાયા છે.

(12:12 pm IST)