Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

આજે ચંદની પડવો : સુરતીલાલાઓ ૧૫૦ ટન ઘારી આરોગી

બે વર્ષ પછી સુરતીઓના પોતીકા પર્વની રોનક દેખાશે : ઘારી સાથે ભૂસું પણ ધૂમ વેચાયું : સુમુલ ડેરીએ ૩ દિવસમાં જ ૧૦૦ ટન ઘારી અને ૧૭ ટન માવાનું વેચાણ કર્યું : છેલ્લા દિવસે પણ બજારોમાં ઘારી ખરીદવા ભીડ

સુરત તા. ૨૧ : સુરતીલાલાઓના પોતીકા અને માનીતા પર્વ ચંદની પડવાને લઇને છેલ્લા એક અઠવાડિયાથી મીઠાઇ બજારમાં હલચલ દેખાઇ રહી છે. સ્વાદરસિયા સુરતીઓ અસ્સલ સ્વભાવ સાથે ઘારી પાર્ટીની ઉજાણી કરવા માટે થનગની રહ્યા છે. ગત વર્ષે કોરોનાના કડક નિયંત્રણો બાદ ચાલુ વર્ષે સારો માહોલ દેખાયો હોય બે વર્ષ પછી ચંદની પડવા પર્વની રોનક દેખાય છે. દરમિયાન  બુધવારે મીઠાઇની દુકાનો પર ભીડ દેખાવાની સાથે જ કેસર બદામપિસ્તા, બદામપિસ્તા સાથે જ ફલેવર્ડ ઘારીની પણ બોલબાલા જોવા મળી હતી. સુરતમાં સુમુલ ડેરી દ્વારા ત્રણ દિવસમાં જ ૧૦૦ ટન ઘારી અને ૧૭ ટન માવાનું વેચાણ કરાયું છે. તેને જોતાં ૧૫૦ ટન ઘારી આરોગવામાં આવી છે તે સાથે જ હજારો કિલો ભૂસું પણ ધૂમ વેચાયું છે.

આસો વદ એકમના રોજ ચંદની પડવાની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે સુરતીઓ એક પ્રકારની મીઠાઇ એવી ઘારી અને તેની સાથે ભૂંસાની મોજ માણે છે. સુરતીઓ અગાસીમાં કે ડુમસ-પાલના ખુલ્લા રસ્તા, મેદાનમાં બેસી આ તહેવારની ઉજવણી કરે છે. જેમાં ગત વર્ષે જાહેરમાં ઉજવણી, બેસીને ઘારી પાર્ટી કરવા સામે પોલીસે કડક વલણ દાખવ્યું હોય માહોલ ફિક્કો દેખાયો હતો.

સુરતીલાલાઓએ પરિવાર, મિત્રો, સંબંધીઓ સાથે ઘારી પાર્ટીના આયોજનો કર્યા હતા. તેમાં જાહેરમાં અથવા તો ઘરે બેસીને ઘારી અને ભૂસુંનો આસ્વાદ માણવામાં આવ્યો હતો. બુધવારે બપોર પછી મીઠાઇની દુકાનોમાં હલચલ, ભીડના દશ્યો દેખાયા બાદ આજે સાંજ સુધી આવો જ માહોલ દેખાશે.(૨૧.૧૫)

સુગર ફ્રી અને સોનાના વરખવાળી ઘારીનું ચલણ પણ વધ્યું

સુરતમાં છેલ્લા એક દાયકાથી ફલેવડ ઘારી અને આરોગ્યપ્રદ કહી શકાય એવી સોનાની વરખવાળી, સુગર ફ્રી ઘારીનું ચલણ પણ વધ્યું છે. વિવિધ મીઠાઇ વિક્રેતાઓ હવે સુગર ફ્રી ઘારી બનાવતા થયા છે. આ સિવાય ૧૧ હજાર રૂપિયા કિલોના ભાવે વેચાતી સોનાના વરખવાળી ઘારી પણ અનેક મીઠાઇ વિક્રેતાઓ બનાવી રહ્યા છે. મીઠાઇ વિક્રેતા હિમાંશુ સુખડિયાએ જણાવ્યું હતુ કે, સોનાના વરખવાળી ઘારીમાં મેંદાની જગ્યાએ ઉપર કાજુનું લેઅર આવે છે. અંદર માવો અને ડ્રાયફ્રુટનું સ્ટફિંગ આવે છે. સોનાની વરખ લગાડ્યા બાદ નંગદીઠ વેચાણ થાય છે. ૧ હજારના ભાવે એક નંગના વેચાણ સાથે જ તેના ડેકોરેશનમાં આજુબાજુ સુકોમેવો મુકવામાં આવે છે.

સૂકો મેવો, ઘીના સાથે લેબર ખર્ચ વધતાં ઘારી મોંઘી થઇ

સૂકો મેવો, ઘીના ભાવ સાથે લેબર ખર્ચ વધતાં ઘારી મોંઘી થઈ આ વર્ષે સકો મેવો અને ઘીના ભાવમાં વધારો થતા અને સાથે જ લેબર ખર્ય વધતાં ઘારીમાં કિલોદીઠ ૫૦ રૂપિયા સુધીનો વધારો થયો હોવાનો મત વિક્રેતાઓ આપી રહ્યા છે. મીઠાઇ વિક્રેતાઓના જણાવ્યા મુજબ, સૂકો મેવો, ઘી સહિતની સામગ્રીના ભાવમાં કિલોએ ૩૦-૪૦ રૂપિયા સુધીનો વધારો થયો છે. આ સિવાય રોજિદી મંજૂરીનો ખર્ચ પણ વધ્યો છે. તેને કારણે જ ઘારીના ભાવમાં કિલોદીઠ ૩૦થી ૫૦ રૂપિયા સુધીનો વધારો કરાયો છે.

(12:42 pm IST)