Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

GTUમાં ભારતીય વેદ, પુરાણો અને ઉપનિષદના 12 અભ્યાસક્રમ : ભારત સહિત અન્ય 5 દેશોના 889 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો

અભ્યાસક્રમમાં સવાર અને સાંજની બેચ:નોકરી કરતી વ્યક્તિ પણ જોડાઈને અભ્યાસ કરી શકે :વયની કોઈ મર્યદા નથી

અમદાવાદ : ગુજરાત ટેકનોજીકલ યુનિવર્સિટી (GTU) અને ભીષ્મ ઈન્ડિક ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આવેલા વેદ-ઉપનિષદ-ભારતીય વિદ્યાના 12 અભ્યાસક્રમમાં ભારત સહિત અન્ય 5 દેશોના 889 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. ભારત સહિત સાઉદી અરેબિયા, ઓસ્ટ્રેલિયા, કુવૈત અને ટાન્ઝાનિયામાંથી પણ કૌટીલ્યનું અર્થશાસ્ત્ર, વેદ, ઉપનિષદ અને ભારતીય કલાના કોર્સમાં વિદ્યાથીઓએ પ્રવેશ મેળવ્યો છે.

GTU અને ભીષ્મ ઈન્ડિક ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે ભારતીય પ્રાચીન સંસ્કૃત્તિ , ઈતિહાસ અને વારસાના શરૂ કરવામાં આવેલા 12 શોર્ટ ટર્મ કોર્સમાં ભારતના 21 રાજ્યો સહિત અન્ય 5 દેશોમાંથી કુલ 889 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.

GTU ના કુલપતિ ડો.નવીન શેઠે જણાવ્યું હતું કે આ અભ્યાસક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ભારત સરકારની નવી શિક્ષણનીતિ હેઠળ વિવિધ વિષયોનું શિક્ષણ આપવાનો અને ભારતીય કલા, સંસ્કૃતિ, વેદ, પુરાણો વિશે વૈજ્ઞાનિક માહિતી આપવાનો છે. વિદેશમાં ભારતીય સંસ્કૃતિ, ભાષા, સાહિત્ય, સ્થાપત્યને લગતા અભ્યાસક્રમો ચાલી રહ્યા છે, જ્યારે આપણે તેમાં પાછળ છીએ. તેને જોતા ત્રણ મહિનાના 12 અલગ અલગ ટૂંકા ગાળાના પ્રમાણપત્ર અભ્યાસક્રમો શરૂ કરવામાં આવી રહ્યા છે.
GTUદ્વારા શરૂ કરવામાં આવેલા આ 12 અભ્યાસક્રમોમાં વેદોનું અધ્યયન, પ્રાચીન સ્થાપત્યનું અધ્યયન, પુરાણોનો અભ્યાસ, પ્રાચીન ભારતીય કલાઓનું અધ્યયન, ઉપનિષદનો અભ્યાસ, રાજકીય વિજ્ઞાન અને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, ધર્મ અને સંપ્રદાયોનો અભ્યાસ, પ્રાચીન ભારતીય સાહિત્યનો અભ્યાસ, પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો અભ્યાસ, પ્રાચીન ભારતીય વિજ્ઞાન અને ટેકનોલોજીનો અભ્યાસ, પ્રાચીન ભારતીય રાજાઓ અને સામ્રાજ્યોનો અભ્યાસ, ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વૈશ્વિક પદચિહ્નોનો અભ્યાસ સામેલ છે.
આ 12 અભ્યાસક્રમ ભીષ્મ સ્કૂલ ઓફ ઇન્ડિક સ્ટડીઝની મદદથી GTUના હેરિટેજ સેન્ટર દ્વારા હાથ ધરવામાં આવશે. આ અભ્યાસક્રમમાં સવાર અને સાંજની બેચ રાખવામાં આવી છે, જેથી નોકરી કરનારી વ્યક્તિ પણ તેમાં જોડાઈને અભ્યાસ કરી શકે છે. વયની કોઈ મર્યદા નથી.આ અભ્યાસક્રમો માટે નોંધણી શરૂ થઈ હતી ત્યારે માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશના વિદ્યાર્થીઓએ પણ આ અભ્યાસક્રમોમાં રસ દાખવ્યો હતો. જેના પરિણામે આંજે ભારત ઉપરાંત 5 અન્ય દેશોના 889 વિદ્યાર્થીઓએ આ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવ્યો છે.

(6:51 pm IST)