Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં બિન શૈક્ષણિક સ્ટાફ સંદર્ભે 2009નો ઠરાવનો અમલ કરવા માંગણી

જરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણમંત્રીને પત્ર લખી રજૂઆત કરી

અમદાવાદ :રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં બિન શૈક્ષણિક સ્ટાફ સંદર્ભે 2009નો ઠરાવનો અમલ કરવા માટે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. હાલમાં જિલ્લા શિક્ષણાધિકારીઓ પોતાની રીતે અર્થઘટન કરી કામગીરી કરતા હોવાથી તેનો સંચાલકોએ વિરોધ નોંધાવ્યો છે. ઉપરાંત જૂના નોર્મ્સ મુજબ કામગીરી કરવામાં આવે તો કર્મચારીઓને શાળા બદલવામાંથી મુક્તિ મળશે તેમ પણ રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે રાજ્યના શિક્ષણ મંત્રીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, સપ્ટેમ્બર-2009 પછી રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી સંદર્ભે ઉપેક્ષા સેવવામાં આવી રહી છે. બિન શૈક્ષણિક કર્મચારીઓના મહેકમ સંદર્ભે સ્પષ્ટ સુચના કે લેખિત માર્ગદર્શન ન હોવાથી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા અલગ અલગ માપદંડો મુજબ કાર્યવાહી થાય છે, જેના લીધે સંચાલકો મુંઝવણમાં મુકાયા છે.

વધુમાં એવી પણ રજૂઆત કરી છે કે, શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ ગ્રાન્ટેડ શાળાઓમાં મંજુર થતું બિન શૈક્ષણિક કર્મચારીઓનું સંખ્યાબળ વિદ્યાર્થી આધારીત છે અને વિદ્યાર્થીની સંખ્યા દર વર્ષે બદલાતી રહે છે. સુધારેલા નોર્મ્સ મુજબ વિદ્યાર્થી સંખ્યા સામે જો બિન શૈક્ષણિક કર્મચારી મળવાપાત્ર હોય તો વધારાનું મહેકમ મંજુર કરવું અને જો સંજોગોમાં અગાઉના નોર્મ્સ પ્રમાણે જગ્યા મંજુર થયેલા છે તેમાં હાલ પુરતો કોઈ ઘટાડો કરવાનો રહેશે નહીં.

આમ, જે તે ગ્રાન્ટેડ શાળાઓમાં જુના નોર્મ્સ મુજબ ક્લાર્ક- સેવક ફરજ બજાવતા હોય તો તેને નવી વિદ્યાર્થી સંખ્યા સંદર્ભેના નોર્મ્સ લાગુ પાડવાના રહેથા નથી. ઠરાવમાં સ્પષ્ટ સુચના હોવા છતાં રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓના બિન શૈક્ષણિક સ્ટાફ સંદર્ભે 2009ની વિદ્યાર્થી સંખ્યા અને મહેકમને અમલમાં મુકીને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા માતૃ સંસ્થામાંથી અન્ય સંસ્થામાં કામગીરી સોંપવાના હુકમો થયા છે. રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં કામ કરતા શૈક્ષણિક-બિન શૈક્ષણિક કર્મચારીઓ રાજ્ય સરકારના સેવકની વ્યાખ્યામાં આવતા નથી, જેથી તેમની ટ્રાન્સફરેબલ નોકરી નથી.

(12:00 am IST)