Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

કોરોનાનો સેકન્ડ વેવ હવે શરૂ : ધાર્યા કરતા ભયાનક પરિણામોનો ખતરો : લોકો સાવચેતી રાખે

ઠેર ઠેર ભીડ - ઠંડી - ફટાકડાના ધુમાડાને કારણે કોરોના વધ્યો

અમદાવાદ તા. ૨૧ : કોરોનાના કેસો વધતાં સરકારે શનિ-રવિ અને રાત્રિ કરફયુનો નિર્ણય કર્યો છે, આ મામલે તબીબો માને છે કે, રાત્રિ કરફયુનો કોઈ મતલબ નથી, આમેય રાતે અવર-જવર ઓછી હોય છે, જયારે દિવસ દરમિયાન કરફયૂએ સામાન્ય લોકો અને સરકાર બંનેને આર્થિક રીતે પોષાય તેમ નથી, હકીકતમાં તો દિવાળીના સમયે બજારોમાં જે ભીડ ઊમટી તે વખતે લોકોએ સમજદારી અને સરકારે કડકાઈ દાખવી હોત તો આ સ્થિતિ ન હોત. સાથે જ તબીબો કહે છે કે, આખી દુનિયામાં કોરોનાનો સેકન્ડ વેવ શરૂ થયો છે, ભારત પણ બાકાત નથી, અમદાવાદમાં કેસો વધ્યા તે સેકન્ડ વેવની શરૂઆત છે, રાજકોટ, સુરત, વડોદરા બધે આ રીતે કેસો વધશે, એટલું જ નહિ પરંતુ કોરોનાનો સેકન્ડ વેવ ધાર્યા કરતાં વધુ ખતરનાક સાબિત થશે, જો આપણે હજુ પણ સાવચેતીપૂર્વક નહિ વર્તીએ તો બિહામણું ચિત્ર ઊભું થશે.

ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાંચના પૂર્વ પ્રમુખ ડો. ચંદ્રેશ જરદોશ કહે છે કે, અત્યારે કોરોનાનો સેન્કડ વેવ આવી ગયો છે, એક તો દિવાળીના સમયમાં દરેક જગ્યાએ બજારોમાં લોકોની જોરદાર ભીડ જોવા મળી, બીજું તહેવારોમાં ફટાકડા ફૂટયા તેના કારણે હવા ઝેરી બની, હવા ખરાબ થઈ અને ત્રીજું શિયાળામાં ઠંડીમાં વધારો થયો. આ ત્રણ પરિબળો ભેગાં થતાં કોરોના વિસ્ફોટ થયો છે. સરકારે શાળાઓ ખોલવાનો નિર્ણય પાછો ખેંચ્યો, જે ખૂબ સારી બાબત છે, નહિતર બાળકો કોરોનાના સુપર સ્પ્રેડર બન્યા હોત. અન્ય તબીબો કહે છે કે, અત્યારે કોરોનાની સ્ફોટક સ્થિતિ માટે સરકાર અને પ્રજા બંને જવાબદાર છે. દિવાળીના સમયે બજારોમાં કિડિયારું ઊભરાયું, હકીકતે લોકોએ જાતે પોતાના પગે કુહાડો માર્યો છે. નવરાત્રિના સમયે શિસ્ત પાળી હતી, અગાઉ અન્ય તહેવારો પણ ઉજવ્યા ન હોતા, એટલે કોરોના કંટ્રોલમાં રહ્યો હતો. કરફયૂકે લોકડાઉન ઉકેલ નથી, લોકો સમજદારીથી કામ લે એ જ ઉપાય છે, બિનજરૂરી ટોળે ન વળે, વડીલો ઘરથી બહાર ન નીકળે. છેલ્લા છ મહિનામાં બધાની આર્થિક સ્થિતિ કથળી છે. સરકારે પણ રેપિડ ટેસ્ટની સંખ્યા વધારવી જોઈએ.

ચાર લોકડાઉન, પાંચ અનલોક પછી ફરી એક વખત ગુજરાતમાં કોરોનાના કારણે સમાજ, પરિવાર, વ્યાવસાયિક, ધંધાકીય અને આર્થિક જીવન પર નિયંત્રણો લદાયાં છે. ચાર મહાનગરોમાં રાત્રિ કરફયૂઅને અમદાવાદમાં શનિથી સોમ સળંગ કરફયૂલાદ્યો છે. દિલ્હી એઈમ્સના પલ્મોનોલોજિસ્ટ સહિતના નિષ્ણાતો દ્રઢપણે માને છે કે, જયારે કોરોનાને નિયંત્રણમાં લાવવામાં સરકારના તમામ હાથ હેઠા પડે છે ત્યારે લોકડાઉન અથવા તો તે પ્રકારના નિયંત્રણો લાદવા એ જ એક વિકલ્પ બચે છે. જો કે, તેઓ ઉમેરે છે કે, લોકડાઉન એ કામચલાઉ અને કેટલેક અંશે ગેરમાર્ગે દોરતો વિકલ્પ છે. હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર, ટેસ્ટીંગ, પેરા મેડિકસ સ્ટાફમાં વધારો ન થાય, લોકો વધુ સભાન ન બને તો લોકડાઉન પછી પણ કોરોનાનું સંક્રમણ તો વધે જ છે. જે દિલ્હીમાં જોવા મળ્યું, અમદાવાદમાં હવે જોવા મળ્યું છે.

કેટલાક ડોકટર એવું માને છે કે, કોરોનાની પેટર્ન બદલાઈ હોય એટલે ગંભીર દર્દીઓ વધી રહ્યા છે. અલબત્ત, વાયરસ એટલો ઘાતક નથી, આપણે ત્યાં મૃત્યુ દર ઓછો છે, થોડાક દિવસોમાં કોરોના કાબૂમાં આવી જશે તેવી શકયતા છે. આ મત મુદ્દે તબીબોમાં મતમતાંતર છે. ઠંડીના કારણે પણ વાયરસ સ્પ્રેડ થાય છે. અત્યારે બજારોમાં ભીડ ભેગી થઈ તે પણ કેસ વધવા પાછળનું કારણ છે.

(10:10 am IST)
  • અયોધ્યા રામ મંદિર નિર્માણ ટ્રસ્ટની મિટિંગ આવતીકાલ રવિવારે દિલ્હીમાં મળશે : એલએન્ડટી, ટાટા કન્સલ્ટન્સી, સોમપુરા કન્સ્ટ્રક્શન તથા દૂરદર્શન સાથેના કરારો અંગે નિર્ણય લેવાશે : ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય ,ટ્રસ્ટી ડો.અનિલ મિશ્ર, વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર સહિતના અગ્રણીઓ હાજરી આપશે access_time 1:49 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં એકધારો વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,877 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 90,50,212 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,39,839 થયા:વધુ 48,560 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 84,75,576 રિકવર થયા :વધુ 559 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,32,761 થયો access_time 1:06 am IST

  • મુંબઈમાં ' કરાંચી સ્વીટ્સ ' નું નામ બદલવા શિવસેનાની માંગણી અંગે ભાજપ અગ્રણી દેવેન્દ્ર ફડણવીસનું મંતવ્ય : અમે ' અખંડ ભારત ' નું સ્વપ્ન સાકાર કરવા માંગીએ છીએ : એક દિવસ એવો આવશે કે કરાંચી પણ ભારતમાં હશે : લવ જેહાદ વિરુદ્ધ કાયદો પસાર કરવાની જવાબદારી સરકારની access_time 12:00 pm IST