Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

અમદાવાદ સ્‍થિત પાકિસ્‍તાનની હિન્‍દુઓ બન્‍યા ભારતીય નાગરિક

જિલ્‍લા કલેકટર સંદિપ સાંગલેએ ૩ર હિન્દુઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યા

અમદાવાદ : જિલ્લા કલેક્ટર  સંદીપ સાંગલે દ્વારા 32 પાકિસ્તાની લઘુમતી ધરાવતા હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામા આવ્યા હતા. આ 32 પાકિસ્તાની હિન્દુઓ છેલ્લા 7 વર્ષથી અમદાવાદમાં સ્થાયી હતા. નાગરિકતા અધિનિયમ પ્રમાણે 7 વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવે છે.

નવા 18 પાકિસ્તાની હિન્દુઓની નાગરિકતા માટેનું અરજીપત્રક સ્વીકારીને આગામી નાગરિકતા પ્રક્રિયા માટે એનાયત કરવામાં આવ્યું હતું. રાજ્ય અને કેન્દ્રની આઇ.બી. ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ તેઓને સ્વીકાર પત્ર એનાયત કરવામાં આવે છે. જેને આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પૂરાવા રજૂ કર્યા બાદ  જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવે છે.

ખૂબ જ ટૂંકા ગાળામાં આ 18 વ્યક્તિઓની પણ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરીને તેઓને પણ નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016 થી અત્યાર સુધીમાં 900 લોકોને નાગરિકતા પત્ર અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા એનાયત કરવામાં આવ્યા છે. વર્ષ 2016 અને 2018 ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરને અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાની લધુમતિ ધરાવતા (હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને કિશ્ર્ચન) ધર્મના લોકોને નાગરિકતા અધિનિયમ અંતર્ગતની પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપવામાં આવે છે.

(3:21 pm IST)