Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

સ્વચ્છ સર્વેક્ષણમાં છઠ્ઠાથી ૧૦મા ક્રમ પર અમદાવાદ આવી ગયું

વડોદરાને ૮મું સ્થાન મળ્યું :૨૦૧૬ અને ૨૦૧૭માં અમદાવાદ શહેર ૧૪મા સ્થાન પર હતું, ત્યાર પછી ૨૦૧૮માં તે બારમા સ્થાન પર હતું

અમદાવાદ, તા.૨૧ : પાછલા ત્રણ વર્ષમાં અમદાવાદ શહેર સર્વચ્છ સર્વેક્ષણની યાદીમાં ચાર ક્રમ નીચે આવી ગયું છે. વર્ષ ૨૦૧૯ની વાત કરીએ તો ત્યારે અમદાવાદ શહેર યાદીમાં છઠ્ઠા સ્થાને હતું, જ્યારે વર્ષ ૨૦૨૧માં તે ૧૦મા સ્થાને છે. તાજેતરમાં કરવામાં આવેલા ૨૦૨૧ સ્વ્ચ્છતા સર્વેમાં ગુજરાત રાજ્યએ ૯૩૧ પોઈન્ટ સાથે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭માં અમદાવાદ શહેર ૧૪મા સ્થાન પર હતું. ત્યારપછી વર્ષ ૨૦૧૮માં તે બારમા સ્થાન પર હતું. સ્વચ્છતાનો મુદ્દો અમદાવાદ શહેર માટે ઘણો મહત્વનો છે કારણકે વર્ષ ૧૯૧૭ અને ૧૯૧૯ દરમિયાન દેશા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ડોક્ટર હરિપ્રસાદ દેસાઈ સાથે મળીને શહેરના કોટ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનની શરુઆત કરી હતી. આ અભિયાન ઘણા લાંબા સમય સુધી ચાલ્યુ હતું.

              ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા અને અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના માટે પહોંચ્યા ત્યારે આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ હતું. ગુજરાત રાજ્યના અન્ય શહેરો અને તાલુકાઓની વાત કરીએ તો, મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરનો આ સર્વેમાં આંકડો ચિંતાજનક છે. યુનિયન મિનિસ્ટ્રી ઓફ અર્બન ડેવલપમેન્ટ દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકન અનુસાર, ૬૯૫ જિલ્લાઓમાંથી પોરબંદરનો ક્રમ ૧૪૬મો છે. વર્ષ ૨૦૧૬માં આ ક્રમ ૧૮૭મો હતો. ૨૦૨૦માં પોરબંદરનો ક્રમ ૧૦૦મો હતો. રાજ્યના અર્બન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા પોરબંદર નગરપાલિકા અને જિલ્લા તંત્રને બાપુના જન્મસ્થળને સ્વચ્છ રાખવા માટેની વિગતવાર યોજના ઘડવાની તાકીદ કરી છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો, મ્યુનિસિપલ કોર્પોરેશનના એક ઉચ્ચ અધિકારી જણાવે છે કે, જો સર્વેના જજ શહેરની વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમને જોતા તો આપણો રેક્ન વધુ આગળ આવી શકતો હતો. આપણે આના કરતા સારું પરિણામ ડિઝર્વ કરીએ છીએ. આપણે હોટલ્સ, શૈક્ષણિક સંસ્થાઓ અને ઓફિસો સાથે કચરનાના નિકાલ માટે એક ઘણું સારું નેટવર્ક વિકસિત કર્યું છે.

(7:21 pm IST)