Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

સિંઘમના વહેમમાં ફરતા કોન્સ્ટેબલે કરી ગુંડાગર્દી

અમદાવાદમાં શર્મસાર કરતી ઘટના : પોલીસે કોન્સ્ટેબલ અને મિત્ર સામે ગુનો નોંધી તપાસ શરૂ

અમદાવાદ, તા.૨૧ : એકતરફ પોલીસની છાપ સુધારવા પોલીસ અનેક પ્રયાસો કરી રહી છે. તેવામાં અમદાવાદમાં પોલીસની છબી ખરડાય તેવી એક ઘટના સામે આવી છે. જેમાં ચાઈનીઝની લારી પર બેઠેલા યુવક અને તેનો મિત્ર બીભત્સ ગાળો બોલતા હતા. જેથી લારી વાળાએ ગાળો ન બોલવાનું કહેતા બંને લોકો લારી વાળા પર તૂટી પડ્યા અને તોડફોડ કરી હતી. તેવામાં એક કોન્સ્ટેબલ પણ આવી ગયો અને તેણે પણ ધમકી આપી મારામારી કરી અને તોડફોડ કરી હતી. સમગ્ર મામલે પોલીસે કોન્સ્ટેબલ અને તેના મિત્ર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શાહીબાગમાં રહેતા રણજીતસિંહ ચૌહાણ કાંકરિયા પાસે ચાઈનીઝ અને ફાસ્ટ ફૂડની લારી લગાવી ધંધો કરે છે. સુભાષ અને તેની સાથે એક વ્યક્તિ લારી પર આવ્યા હતા.

                સુભાષે મન્ચુરિયન રાઇસ બનાવવાનો ઓર્ડર આપતા કારીગરે આ ઓર્ડર મુજબનું ખાવાનું બનાવી આપી સુભાષને આપ્યું અને બન્ને ટેબલ પર બેઠા હતા. બન્ને ટેબલ પર બેસી બીભત્સ ગાળો બોલી વાતો કરતા હતા. લારી વાળાએ સુભાષને ગાળો બોલવાની ના પાડતા તે આવેશમાં આવી ગયો અને પટ્ટાથી માર માર્યો હતો. સાથે રહેલા શખ્સે પણ આમ બબાલ કરી અને ભાઈ રવીને બોલાવ્યો હતો. રવી ઇસનપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને તેની સાથે અન્ય કોઈને લઈ આવી લારીમાં તવો ઊંધો કરી ખુરશી ટેબલ જમીન પર પછાડી નુકશાન કરી લારી વાળાને માર્યો હતો. કોન્સ્ટેબલ રવીએ ધમકી આપી કે હવે અહીં લારી લગાવીશ તો ફરી મારીશ. તેવામાં કોઈ કારીગરે પોલીસને જાણ કરતા પોલીસ આવી પહોંચી અને લોકોનું ટોળું ભેગું થઈ જતા કોન્સ્ટેબલ સહિતના આરોપીઓ ભાગી ગયા હતા. આ મામલે કે ડિવિઝન એસીપી મિલાપ પટેલે જણાવ્યું કે મોડી રાત્રે ઇસનપુરના કોન્સ્ટેબલ અને તેના મિત્રોએ બબાલ કરી મારામારી કરી હતી. જે મામલે કાગડાપીઠમાં ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

(8:58 pm IST)