Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

ગાંધીનગર: સુધડના તબેલાને નિશાન બનાવી પાંચ ભેંસ સહીત અન્ય પશુઓને ચોરી તસ્કરો છૂમંતર.....

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પશુ ચોર ટોળકીનો આતંક વધી રહયો છે ત્યારે સુઘડના તબેલામાંથી ગઈરાત્રીએ પશુચોર ટોળકી પાંચ ભેંસ અને અને એક નાના પાડાને ચોરીને પલાયન થઈ ગઈ હતી. ખેડૂતે શોધખોળ કરતાં કેનાલ સુધી ભેંસોને લઈ જવાઈ હોવાનું જણાયું હતું. જેથી આ મામલે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે ર.પર લાખની ચોરીનો ગુનો દાખલ કરીને ટોળકીને પકડવા માટે દોડધામ શરૃ કરી છે.   

શિયાળાની કડકડતી ઠંડી દરમ્યાન જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો વધી રહયા છે ત્યારે હવે ગ્રામ્ય વીસ્તારોમાં રાત્રીના સમયે પશુઓને ચોરી જતી ટોળકી પણ સક્રિય થઈ ગઈ છે. શહેર નજીક આવેલા સુઘડ ગામે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતાં દશરથભાઈ ગોવિંદભાઈ પટેલે ફરીયાદ નોંધાવી હતી કે તેમના તબેલામાં ૧૪ ભેંસો રાખવામાં આવે છે. ત્યારે ગત બુધવારની રાત્રે આ ભેંસોને ઘાસચારો આપ્યા બાદ ગઈકાલે વહેલી સવારે તબેલામાં તપાસ કરતાં પાંચ ભેંસો અને એક નાનો પાડો જણાયો નહોતો. જેથી આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી. ત્યારે કેનાલ સુધી ભેંસોને લઈ જવાઈ હોવાનું અને ત્યાંથી વાહનના માર્ક પણ મળી આવ્યા હતા. જેથી વાહન લઈને આવેલી કોઈ ચોર ટોળકી તેમની ભેંસો અને પાડાને ભરીને લઈ ગઈ હોવાનો અંદાજ આવ્યો હતો. આ મામલે અડાલજ પોલીસ મથકમાં ફરીયાદ આપતાં પોલીસે ર.પર લાખની મત્તાની ચોરીનો ગુનો નોંધ્યો હતો. નોંધવું રહેશે કે ચિલોડા અને પેથાપુર પંથક બાદ હવે સુઘડ આસપાસના વિસ્તારોમાં આ પશુચોર ટોળકીએ દસ્તક દીધી છે ત્યારે તેને પકડવા માટે ગાંધીનગર પોલીસે એકશન પ્લાન બનાવવો પડશે. 

(5:10 pm IST)