Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

સુરતના ગોડાદરામાં જમીનના બોગસ દસ્તાવેજ બનાવી 13 લાખની ઠગાઈ આચરનાર વૃદ્ધ મહિલાના જામીનની અરજી અદાલતે નામંજૂર કરી

સુરત :ગોડાદરાની જમીનમાં આવેલા મૂળ જમીન માલિક મહીલાના પ્લોટના બોગસ દસ્તાવેજો બનાવીને સાચા તરીકે ઉપયોગ કરીને રૃ.13 લાખની ઠગાઈના ગુનાઈત કારસામાં જેલવાસ ભોગવતી આરોપી વૃધ્ધ મહીલાના જામીનની માંગને આજે એડીશ્નલ સેશન્સ જજ એમ. એ. ટેલરે આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસની તપાસ નાજુક તબક્કામાં હોવાનો નિર્દેશ આપી નકારી કાઢી છે.

ગોડાદરા ગામના રેવન્યુ સર્વે નં.1-1-બમાં હરીઓમ નગરના નામે પ્લોટીંમાં પ્લોટ નં.77 ના પ્લોટ માલિક જમનાબેન કૃષ્ણમૂર્તિ સીટીયારે વર્ષ-2006માં મૂળ જમીન માલિકો પાસેથી ખરીદ્યા બાદ વર્ષ-2016માં પાયલબેન ગુર્જરને વેચ્યો હતો.જે પ્લોટ વર્ષ-2017માં પાયલ બેને આ મકાન અરજણ નાનજી કાછડને વેચાણ આપ્યું હોવા છતાં મૂળ મિલકત માલિક જમનાબેન સીટીયારના નામે બોગસ દસ્તાવેજ બનાવીને આરોપી સુજીત પાટીલ, અમિનુદ્દીન,કનૈયાભાઈ,અનિલ પટેલ,હંસાબેન ઉર્ફે હર્ષાબેન દિપકકુમાર ભૂખણદાસ જરીવાલા વગેરેએ કારસો રચ્યો હતો.

આરોપીઓએ 61 વર્ષીય મહીલા હંસાબેન ઉર્ફે હર્ષાબેન જરીવાલાને જમનાબેન સીટીયાર તરીકે રજુ કરીને પ્લોટનો બોગસ દસ્તાવેજ બનાવીને રજીસ્ટ્રાર કચેરીમાં વેચાણ દસ્તાવેજ ખરા તરીકે નોંધાવ્યો હતો. ત્યારબાદ જમનાબેનના નામે બેંક ખાતું ખોલાવીને મિલકતના વેચાણ અવેજ પેટે રૃ.13 લાખ મેળવી લીધા હતા. ગોડાદરા પોલીસે જેલભેગી કરેલા આરોપી મહીલા હંસાબેન ઉર્ફે હર્ષાબેન જરીવાલા (રે.અયોધ્યા બંગ્લોઝ, ઓલપાડ)એ જામીન માંગ્યા હતા. જેના વિરોધમાં એપીપી વિશાલ ફળદુએ જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસની તપાસ ચાલુ હોઈ જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની તથા ટ્રાયલમાં હાજર ન રહે તેવી સંભાવના છે. આરોપીનો ગુનામાં મુખ્ય રોલ હોઈ પોતાનું ખોટું આધારકાર્ડ પાનકાર્ડ રજુ કરી બોગસ નામે બેંક ખાતું ખોલાવી વેચાણ અવેજની રૃ.13 લાખનો આર્થિક લાભ મેળવ્યો છે.

(5:12 pm IST)