Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

જયારે એક ડોકટર લિંગ પરિવર્તન કરી પોતાના જ વીર્યથી બનશે માતા

આણંદના આંતરરાષ્ટ્રીયખ્યાતિ પ્રાપ્ત ડો.નયના પટેલ (તન્ના) પાસે આવ્યો અજીબો ગરીબ કિસ્સો : જેશનુર દાયરાનું ૮ વર્ષની વયથી જ મહિલા બનવાનું સપનું, રશિયાથી એમબીબીએસનો અભ્યાસ કર્યો, તેને પોતાના સ્પર્મ થકી જ પોતાના બાળકની માતા બનવું છે : જેશનુર યુવતીના કપડા, હિલવાળા ચપ્પલ, બુટી પણ પહેરે છે

રાજકોટ, તા. ૧૯ : આણંદના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ડો. નયના તન્ના - પટેલ પાસે પંચમહાલના ગોધરાની એક યુવતી આવી પોતાને જેશનુર દાયરા નામની ઓળખ આપી કહ્યું કે હું ખરેખર તો પુરૂષ છું, પણ મારે મહિલા બનવું છે. એ પહેલા મારા પૌરૂષત્વના અંશ સમાન વિર્યને ફ્રીઝ કરવું છે, હું સંપૂર્ણ યુવતી બની જાઉં પછી એના થકી જ મારે માતૃત્વ પ્રાપ્ત કરવું છે. આમ મારા સંતાનના પિતા અને માતા બંને મારે જ બનવું છે !!!

ડો.નયના પટેલ આ સાંભળીને અચંબામાં પડી ગયા. કારણ કે જેન્ડર ચેન્જનો આવો કેસ તેમની પાસે પહેલીવાર આવ્યો હતો.

ડો.નયના પટેલ (તન્ના) એ તેની પાસેથી આખી જીવન ગાથા સાંભળી. આ જેશનુર દાયરા ૮ વર્ષની ઉંમરથી જ મનમાં મહિલા બનવાનું સપનુ સેવી છોકરીઓના કપડા પહેરતા હતા. આને કારણે તેના મમ્મી - પપ્પા બહુ જ નારાજ થતા, પોતાને માર પણ મારતા હતા. પરંતુ આ જેશનુરે મોટા થઈ રશિયાથી એમબીબીએસનો અભ્યાસ પૂરો કર્યો છે. હવે એમડીનો અભ્યાસ કરવા ઈચ્છે છે પણ પોતે સેકસ ચેન્જ કરવા માગે છે. આથી તેનું સ્પર્મ ફ્રીઝ કરવું છે. કારણ કે સ્પર્મ થકી જ તેને પોતાના બાળકની માતા બનવું છે.

અત્યારે જેશનુર યુવતીના કપડા પહેરે છે. હીલવાળા ચપ્પલ પહેરે છે. નખ રંગે છે, બંગડી, બુટી પણ પહેરવાનો શોખ છે. તેને જોતા કોઈ એમ ન કહી શકે કે આ મુળ પુરૂષ હશે. ડો.જેશનુર ડો.નયના પાસે અત્યાર સુધીમાં ત્રણ થી ચાર વાર આવી ગઈ છે.

તેને પોતાને મા - બાપ બંને બનવું છે પણ જો કદાચ મા બની ન શકે તો સરોગેટ મધર થકી સંતાન પેદા કરશે એમ જણાવ્યુ હતું. ડો.નયનાબેને તેને કહ્યુ કે, સરોગેટ મધર માટે સરકારની ના આવી ગઈ છે. આથી તેમાં મુશ્કેલી પડે. તો જેશનુરે કહ્યું કે એમાં સરકારે નામંજૂરી કેમ આપવી જોઈએ. આ તો માનવતાનું મોટું કામ છે. જેના થકી જે સંતાન પ્રાપ્ત કરતા ન હોય તેવા લોકોને સંતાન સુખ મળે છે.

ડો.નયના પટેલ કહે છે કે અમારી પાસે સ્પર્મ ફ્રીઝ કરાવવા કેન્સર જેવી જીવલેણ બિમારી હોય એવા દર્દીઓ, બોર્ડર પર ફરજ બજાવતા આર્મીના જવાનો કે જે ઘરે વર્ષે એકાદ - બે વાર જ જઈ શકતા હોય છે એવા લોકો આવે છે. જેન્ડર કે સેકસ ચેન્જ કરાવવા માટે સ્પર્મ ફ્રીઝ કરાવતા હોય તેવો આ પહેલો કેસ મારી પાસે આવ્યો છે.

ડો. નયનાના મતે હજુ જેશનુરને સંપૂર્ણ મહિલા બનતા ચારેક વર્ષ લાગી જશે. તેમની પ્લાસ્ટીક સર્જરી કરવી પડશે પછી જ તે સંપૂર્ણ મહિલા બની શકશે. ડો. નયના પટેલ રાજકોટના જાણીતા રઘુવંશી અગ્રણી અને ઉદ્યોગપતિ સ્વ.રતિભાઈ તન્નાની પુત્રી છે અને સૌરાષ્ટ્રના જાણીતા હાર્ટસર્જન ડો.મિહિર તન્નાના કઝીન સિસ્ટર છે. (ડો.નયના પટેલ - મો.૯૮૨૫૧ ૫૮૨૨૭).

ડો.નયના પટેલ્સ આકાંક્ષા આઈવીએફ સેન્ટર, સૃષ્ટિ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ પાસે, ગુરૂવીલા બંગ્લોઝની સામે, લાંભવેલ, આણંદ, ગુજરાત. ફોન - ૦૨૬૯૨ - ૬૧૭૩૦૧/૦૨, મો. ૭૦૬૯૨ ૫૫૫૧૧), વેબસાઈટ : www.ivf.surrogate.com.

(2:47 pm IST)