Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

છોટાઉદેપુરના જિલ્લાના દૂધ ઉત્પાદકોએ ધોકો પછાડ્યો : બરોડા ડેરી સાથે છેડો ફાડી અલગ ડેરી બનાવવાની માંગ

છોટાઉદેપુર જિલ્લાના સભાસદોએ ધારાસભ્ય અભેસિંહ તડવી અને રાજેન્દ્રસિંહ રાઠવાને આવેદન પત્ર પાઠવી અલગ ડેરીની માંગ કરી

છોટાઉદેપુર જિલ્લાના દૂધ ઉત્પાદકો બરોડા ડેરી વિવાદને લઈ રોષે ભરાયા છે. જિલ્લામાં 450 જેટલી દૂધ ઉત્પાદક મંડળીઓ આવેલી છે જેના મારફતે બરોડા ડેરીમાં 50 ટકા જેટલું દૂધ ભરવામાં આવે છે. બરોડા ડેરીમાં અવાર નવાર વિવાદના કારણે છોટાઉદેપુર જિલ્લાના સભાસદોએ ધારાસભ્ય અભેસિંહ તડવી અને રાજેન્દ્રસિંહ રાઠવાને આવેદન પત્ર પાઠવી અલગ ડેરીની માંગ કરી છે.

  દૂધ ઉત્પાદકોનો આરોપ છે કે, કોઇ પણ મુદ્દે વાસ્તવિકતા જાણ્યાં વગર માત્ર પોતાના અંગત સ્વાર્થ માટે બરોડા ડેરીને છેલ્લા ત્રણ વર્ષથી નિશાન બનાવાઇ રહી છે. તમામ પ્રકારના ઉપદ્રવો વડોદરા જીલ્લાના અને ખાસ કરીને સાવલી વિધાનસભા વિસ્તારમાંથી ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે.

દૂધ ઉત્પાદકોનું કહેવું છે કે હાલના સ્થિતિએ ચાલુ રહે તો બરોડા ડેરીનું ભવિષ્ય જોખમમાં લાગે છે અને તેના કારણે છોટાઉદેપુર જિલ્લાની દૂધ મંડળીઓ અને દૂધ ઉત્પાદકોને નુકસાન સહન કરવાનું આવશે તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ ધારાસભ્યોએ દૂધ ઉત્પાદકોની રજૂઆતને ધ્યાને લઈ આગળ પહોંચાડવાની ખાતરી આપી છે

 

(9:12 pm IST)