Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

જીએસટી રજીસ્‍ટ્રેશન કૌભાંડના ૬૧ ટકા કેસો ગુજરાતના

૪૧૨૦ કરોડનું કૌભાંડ

અમદાવાદ, તા.૨૨: સ્‍ટેટ ગુડઝ એન્‍ડ સર્વીસ ટેક્ષ (એસજીએસટી) વિભાગની તપાસમાં ૪૧૨૦ કરોડના બોગસ બીલીંગ કૌભાંડ બહાર આવ્‍યા છે. તપાસમાં જણાવ્‍યુ છે કે ૧૫૪૫ આધારકાર્ડનો ડેટા ગેરકાયદેસર રીતે સુધારવામાં આવ્‍યો છે. પછી આ કાર્ડ ૨૭૨૧ જીએસટી રજીસ્‍ટ્રેશન માટે વપરાયા હતા. આ ૨૭૨૧ રજીસ્‍ટ્રેશનમાંથી ૧૬૬૨ એટલે કે લગભગ ૬૧ ટકા ગુજરાતમાં હતા.

લગભગ ૧૦ દિવસ પહેલા જીએસટી અધિકારીઓએ પાલીતાણાના એક આધાર સેન્‍ટર પર રેડ પાડી હતી જયાં તેમને જાણવા મળ્‍યુ કે ૧૫૪૫ જેટલા આધારકાર્ડોના લીન્‍ક કરાયેલ મોબાઇલ નંબર સુધારીને ડેટામાં છેડછાડ કરાઇ હતી. આ કાર્ડ પછીથી જીએસટી રજીસ્‍ટ્રેશન મેળવવામાં વપરાયા હતા. આ મામલામાં  જીએસટી અધિકારીઓએ ૧૭૬૩ ફોન નંબર શોધી કાઢયા હતા.

આ ઘટનાથી માહિતગાર એક સુત્રએ કહ્યું, જીએસટી વિભાગ દ્વારા લગભગ ૫૪૮ જીએસટી રજીસ્‍ટ્રેશન બોગસ બીલીંગ અંગે રદ કરી દીધા છે. બાકીના ૧૧૧૪ રજીસ્‍ટ્રેશનની તપાસ ચાલી રહી છે. અમને શંકા છે કે ઓછામાં ઓછા ૩૫ ટકા રજીસ્‍ટ્રેશન બોગસ છે. તપાસ પુરી થયા પછી સાચો આંકડો બહાર આવશે.

નવેમ્‍બરથી ૨૦ ફેબ્રુઆરી સુધીમાં વિભાગે ૬૬૩ બોગસ જીએસટી રજીસ્‍ટ્રેશન શોધી કાઢયા છે અને તેમને કેન્‍સલ કર્યા છે. આ જીએસટી નંબરો રૂપિયા ૧૪૫૯૬ કરોડના બોગસ બીલો બનાવવા માટે વપરાયા હતા અને તેના દ્વારા રૂપિયા ૧૧૪૦ કરોડનો ટેક્ષ ચવાઇ ગયો હતો.

(10:40 am IST)