Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

ડીજે મ્‍યુઝીકનો ત્રાસઃ પોલીસને થોકબંધ ફરીયાદો

લગ્નગાળામાં મોડી રાત સુધી અવાજનું પ્રદુષણ

અમદાવાદ, તા.૨૨: રાજયભરમાં મોટા સ્‍પીકરો દ્વારા ડી જે મ્‍યુઝીક અત્‍યારે સૌથી મોટી તકલીફ બની ગયુ છે. ભયંકર અવાજ સાથેનું સંગીત નાગરિકોને પોલીસની મદદ મેળવવા મજબૂર કરે છે. લગ્નની ચાલુ સીઝન દરમ્‍યાન કાન ફાડી નાખતા આ સંગીત અંગેની ફરીયાદોનો રાફડો ફાટયો છે.

અમદાવાદ શહેર પોલીસને જાન્‍યુઆરી ૨૦૨૧ થી ૧૮ મહિનામાં ૧૦૨૭૭ ફરીયાદો મળી હતી. જો કે બે વાહનો જપ્‍ત કરવા સિવાય કોઇ પણ જવાબદાર વ્‍યકિત સામે આ બાબતે કોઇ પગલા નથી લેવામાં આવ્‍યા.

સાઉન્‍ડ સીસ્‍ટમમાં અવાજની મર્યાદા નક્કી કરવા અંગેના ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ડીસેમ્‍બર ૨૦૧૯ના નોટીફીકેશનના અમલ અંગે જયારે હાઇકોર્ટ દ્વારા પુછવામાં આવ્‍યુ તો અમદાવાદ પોલીસે જાન્‍યુઆરી ૨૦૨૩માં પાંચ એફઆઇઆર નોંધી હતી. રસપ્રદ વાત એ છે કે આ બધી એફઆઇઆર જે દિવસે તેણે હાઇકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યુ એ જ દિવસે નોંધવામાં આવી હતી. ૨૦ જાન્‍યુઆરીએ અમદાવાદ પોલીસ કમિશનરે જાહેર જગ્‍યાઓ અને રોડ પર અવાજનું પ્રદૂષણ રોકવા જાહેરનામુ બહાર પાડયુ અને ધાર્મિક સ્‍થળોને પોતાની સાઉન્‍ડ સીસ્‍ટમ એટલી મોટી ના રાખવા કહ્યું કે જેથી અવાજ તેમના પરિસરની બહાર ના જાય.

વડોદરા શહેર પોલીસ કમિશનરે કહ્યું, શહેરી વિસ્‍તારોમાં ડી જે મ્‍યુઝીકનો ત્રાસ વધી ગયો છે અમને રોજની ડઝનબંધ ફરીયાદો મળે છે.' વડોદરા શહેર પોલીસ કંટ્રોલ રૂમને ફકત ૭ દિવસમાં કાન ફાડી નાખવા ડીજે મ્‍યુઝીકના ત્રાસમાં થયેલ વધારાથી પોલીસે ડીજે સામે ફરીયાદો નોંધીને મ્‍યુઝીક સીસ્‍ટમ જપ્‍ત કરવાનું શરૂ કર્યુ છે.

(12:25 pm IST)