Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

હવેથી સ્‍કૂલોમાં ગુજરાતી ભાષા થશે ફરજિયાતઃ વિધાનસભામાં લવાશે બિલ

ધોરણ ૧ થી ૮માં ગુજરાતી ભાષા બનશે ફરજિયાત : ૨૮ ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભામાં આ માટે બિલ લવાશે

અમદાવાદ, તા.૨૨: હવેથી રાજ્‍યની ગુજરાતી શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરવા અંગે બિલ લવાશે. ૨૩ ફેબ્રુઆરીના રોજ આવતીકાલે વિધાનસભાનું સત્ર શરૂ થશે. જેમાં સરકાર વિવિધ બિલો રજૂ કરશે. જે અંતર્ગત ૨૭ ફેબ્રુઆરીએ ઈમ્‍પેક્‍ટ ફી સુધારા બિલ રજૂ કરાશે તો ૨૮મી ફેબ્રુઆરીએ ગુજરાતી ભાષા ફરજિયાત માટેનું બિલ લવાશે. ધોરણ ૧થી ૮માં હવેથી ગુજરાતી ભાષા ફરજિયાત બનાવવા માટેનું બિલ લાવવામાં આવશે.

તમને જણાવી દઇએ કે, આ માટે ૭ માર્ચે ૨ બેઠક અને સવારે એક સત્રનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. મહત્‍વનું છે કે, વિધાનસભા સત્રના ૨૫ દિવસમાં ૨૭ બેઠકો યોજાશે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ગુજરાતી શિક્ષણ મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પણ મહત્‍વનું નિવેદન આપ્‍યું હતું.

રાજ્‍યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્‍યું હતું કે, ‘આપણી માતળભાષા ગુજરાતી એ સંવેદનાની ભાષા  છે અને સમન્‍વયની ભાષા છે. એટલે જ્‍યાં જ્‍યાં વસે ગુજરાતી ત્‍યાં ત્‍યાં સદાકાળ ગુજરાત એવું કવિઓ કહે છે. વિદ્યાર્થીઓનો ગુજરાતીનો પાયો મજબૂત બને એ માટેના પ્રયાસો શિક્ષણ વિભાગ કરી રહ્યું છે. જે કઈ ખામી છે તેનું આવનારા સમયમાં અમારા શિક્ષણવિદો, બૌધિકો ગુજરાતી ભાષાના તજજ્ઞોની સાથે મળીને સમાધાન કરશે.'

રાજ્‍યની શાળાઓમાં ફરજિયાત ગુજરાતી શિક્ષણ મુદ્દે શિક્ષણમંત્રીએ જણાવ્‍યું કે,રાજ્‍યના દરેક શાળામાં ગુજરાતી વિષય ફરજિયાત છે. જે શાળામાં ગુજરાતી વિષય ભણાવવામાં નઓથી આવતો તેની સામે કાર્યવાહી થશે. તાજેતરમાં જ રાજ્‍ય સરકારના પ્રવક્‍તા ઋષિકેશ પટેલે ગુજરાતી ભાષાને લઈ જણાવ્‍યું હતું કે, શાળાઓમાં ગુજરાતી ભાષા ભણાવવા બાબતે સાહિત્‍યકારોની રજૂઆત મળી છે. જેથી ગુજરાતી ભાષા ભણાવાતી ન હોય તેવી શાળાઓ સામે પગલા લેવાશે. તમને જણાવી દઈએ કે, ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા આદેશ કરાયો હતો જે બાદ પણ કેટલીક વિદ્યાલયો ન ભણાવતી હોવાની ઘટનાઓ સામે આવી હતી. જો કે, ત્‍યારબાદ હવે કાર્યવાહી સુધીનો દોર ચલાવવાની સરકારે તૈયારી બતાવી છે.

રાજ્‍યમાં પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા મામલે જાહેર હિતની અરજી થવા પામી હતી. જે અરજીના આધારે હાઈકોર્ટે કેન્‍દ્ર સરકારને નોટિસ ફટકારી હતી. ત્‍યારે કેન્‍દ્રીય વિદ્યાલયોમાં ગુજરાતી ભાષા ન ભણાવતા હોવાની અરજદારની રજૂઆત હતી.  ત્‍યારે આ મામલે હાઈકોર્ટ દ્વારા ગુજરાતી નહીં ભણાવતી શાળાઓ સામે શું પગલા લેવાશે તે મામલે સરકારી વકીલને પૂછતા સરકારી વકીલે હાઈકોર્ટને કહ્યું હતું કે ‘ગુજરાતી ન ભણાવતી શાળાઓને નોટિસ ઈશ્‍યું કરીશું.'

 

 

 

(3:33 pm IST)