Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

મહિસાગર જિલ્લાના લુણાવાડા પાસે જાનનો ટેમ્પો ખાઇમાં પડતા ૮ના મોતઃ ૨૨ જાનૈયાને ઇજાઃ અરવલ્લીમાં બુલેટ-કાર વચ્ચે અકસ્માતમાં ૩ના મોત

૧૦૮ ઍમ્બ્યુલન્સની ૪ ટીમો દોડાવાઇઃ ટ્રાફિક જામ થતા પોલીસ ટીમો દોડી ગઇ

મહિસાગરઃ મહિસાગર જિલ્લામાં અને અરવલ્લી જિલ્લામાં જુદા-જુદા ૨ અકસ્માતમાં ૧૧ વ્યકિતઅોના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.
લૂણાવાડા પાસે જાનૈયાઓથી ભરેલો ટેમ્પો ખાઇમાં ખાબક્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ અકસ્માતમાં આઠ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 22થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ટેમ્પોમાં 50 જેટલા જાનૈયાઓ લગ્નમાં જઇ રહ્યાં હતા. ત્યારે જ આ ખુશીનો માહોલમાં માતમ છવાઇ ગયો છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, મહિસાગરના લુણાવાડા પાસે જાનૈયાઓથી ભેરેલો ટેમ્પો લગ્નમાં જઇ રહ્યો હતો. આ ટેમ્પો લગ્નની જાન લઇને ગઠાથી સાત તળાવ જતો હતો. આ દરમિયાન ટેમ્પો ખાઇમાં ખાબક્યો હતો. આ ગોઝારા અકસ્માતમાં કુલ આઠ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 22 જેટલા લોકો ઘાયલ થયા છે. જોકે, અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ઘાયલોને લુણાવાડાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતમાં ઘાયલ લોકોને રિક્ષામાં સારવાર અર્થે લઈ જવાયા હતા. આ ઉપરાંત 108ની 4 ટીમો પણ ઘટના સ્થળ પર પહોંચી સારવાર શરૂ કરી હતી. અચાનક બનેલી આ ઘટનામાં મોતને કારણે પરિવારોમાં માતમ છવાઇ ગયો છે. હાલ મૃતકોનાં નામ અંગે તપાસ કરવામાં આવી રહી છે.
અરવલ્લીમાં પણ આવો જ એક ગોઝારો અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. મોડાસા હિંમતનગર હાઈવે પર બુલેટ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા છે. આ ગોઝારા અકસ્માત બાદ સ્ટેટ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. સ્થાનિક પોલીસ દ્વારા અકસ્માત અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, મોડાસા હિંમતનગર હાઈવે પર બુલેટ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારનાં ત્રણ લોકોના મોત સર્જાતા ઘટનાસ્થળે રોકકળ મચી ગઇ હતી. આખું પરિવાર હિબકે ચઢ્યું હતુ. મોડાસાના રસુલપુર પાસે થયેલા અકસ્માતમાં મૃતકોમાં માસી અને ભાણિયા સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા છે.

(4:45 pm IST)