Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

દહેગામમાં રહસ્યમય સંજોગોમાં ધાબા પરથી નીચે પટકાતા યુવકનું મૃત્યુ

દહેગામ :  દહેગામમાં નાંદોલ રોડ ઉપર આવેલા કોમ્પ્લેક્ષના ત્રીજા માળે ધાબા ઉપર સૂઈ રહેલો યુવક રાત્રના ત્રણ વાગ્યાના સુમારે નીચે પડતાં રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. યુવકે આપઘાત કર્યો કે પછી કોઈએ ધાબા ઉપરથી ધક્કો માર્યો કે પછી ઊંઘમાં ચાલવાની જેવી બિમારીના કારણે યુવક પટકાયો જેવા અનેક થિયરી ઉપર પોલીસે તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે.

નાંદોલ રોડ ઉપર આવેલ એમ.જી.અમીન કોમ્પલેક્ષના ત્રીજા માળના ધાબા ઉપર છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતો યુવક સુભાષ રતન કિશોરી (ઉ.વ.આશરે ૩૫) નિત્યક્રમ પ્રમાણે અન્ય સાથીદારો સાથે સૂઈ ગયો હતો. દરમિયાન ગઈ કાલે રાત્રે તેના સાથીદારો ત્રણ વાગ્યે જાગ્યા ત્યારે જોયું કે સુભાષ પોતાની પથારીમાં નહોતો આથી સાથીદારો નીચે ઉતર્યા હતા અને જોયું તો સુભાષ જમીન ઉપર પડયો હતો અને તેનું મોત નિપજ્યું હતું. યુવકોએ પોલીસને જાણ કરતાં કાફલો દોડી આવ્યો હતો અને યુવકના મૃતદેહને પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી હતી. યુવકનું કયા સંજોગોમાં મોત થયું તે જાણવા માટે પોલીસે તમામ થિયરીને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી છે. ઊંઘમાં ચાલવાની બિમારીના કારણે યુવકનો જીવ ગયો કે પછી આપઘાત કર્યો કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે એ તમામ થિયરી ઉપર પોલીસની તપાસ ચાલી રહી છે.

(5:20 pm IST)