Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

કોલવડામાં ઘરકામ બાબતે ઠપકો આપતા યુવતીએ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા કોલવડા ગામમાં રહેતી ૧૯ વર્ષીય યુવતીના માતા પિતાએ ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો. જેના કારણે લાગી આવતા યુવતીએ પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો. તેણીને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ લઈ જવામાં આવી હતી પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટના અંગે પેથાપુર પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

હાલના સમયમાં પરિવારના સભ્યો દ્વારા બાળકોને કોઈ બાબતે આપવામાં આવતા ઠપકાને કારણે બાળકો દ્વારા ગંભીર પ્રકારનું પગલું ભરી લેવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગાંધીનગર શહેર નજીક આવેલા કોલવડામાં પણ આવી જ એક ઘટના બનવા પામી છે. કોલવડામાં રહેતા પરિવારની ૧૯ વર્ષ યુવતીનું સગપણ નક્કી કરવાનું હોવાથી માતા-પિતા દ્વારા તેને ઘરકામ બાબતે ઠપકો આપવામાં આવ્યો હતો અને તેણીને હવેથી ઘરકામમાં વધુ ધ્યાન આપવા કહેવાયું હતું. જોકે માતા પિતા પાસેથી મળેલા ઠપકાને આ યુવતીએ ગંભીરતાથી લઈ લીધો હતો અને ગઈકાલે તેના પિતા બહાર કામ અર્થે ગયા હતા તે દરમિયાન રૃમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને આ યુવતીએ ગળે ફાંસો ખાઈ લીધો હતો. યુવતીને બોલાવવા જતા માતા તેના રૃમમાં પહોંચી હતી અને તે સમયે પંખે લટકતાં જોઈને બૂમાબૂમ કરી દીધી હતી. જેથી આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને આ યુવતીને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. બીજી બાજુ આ ઘટના અંગે પેથાપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

(5:34 pm IST)