Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

દહેગામ નજીક વીજ તારને માથું અડી જતા કરંટથી એક શખ્સનું મૃત્યુ નિપજતા ચકચાર મચી જવા પામ્યો

દહેગામ :  માનવીનું જીવન અનિશ્ચિતતાઓથી ભરેલું છે. હસતા રમતા માણસને ક્યારે કાળભરખી જાય તે કાળા માથાનો માણસ ક્યારેય જાણી શક્યો નથી. આવી જ એક ઘટનામાં દહેગામ પાસે વાસણા રાઠોડ ગામે ખેતરમાં ઘાસ લાદતા એક વ્યક્તિનું માથું વીજ તારને અડી જતા તેનું મૃત્યુ થવા પામ્યું છે.

આ કરુણ ઘટના અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર નિકોલ ખાતે રહેતા અને છેલ્લા દસ વર્ષથી દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામની સીમમાં છેલ્લા દસેક વર્ષથી ભેંસોનો તબેલો તેમજ ખેતીની જમીન ધરાવતા ભગવાનભાઈ ઉર્ફે લાલભાઈ મોહનભાઈ ભોઈ (ઉંમર વર્ષ ૩૦) દરરોજ નિકોલથી આવી ખેતીનું કાર્ય સંભાળતા હતા. આ રોજના ક્રમ મુજબ તેઓ આજે પણ સવારે પોતાના ખેતરમાં પહોંચી તબેલા વગેરેના કાર્યનું નિરીક્ષણ કર્યા બાદ તેઓના ખેતરમાં કપાઈ રહેલી લીલી મકાઈ ટ્રેક્ટરમાં ભરાઈ રહી હતી તે જોવા પહોંચ્યા હતા. મૃત્યુ જાણે કે પોકારી રહ્યું હોય તેમ ખેતરમાં મજૂરો લીલી મકાઈનો પાક વાઢી તેના લીલા પૂળાને ટ્રેક્ટર માં લાદી રહ્યા હતા ત્યારે મદદરૃપ થવાના આશયથી ભગવાનભાઈ પોતે ટ્રેક્ટર પર ચડયા હતા અને નીચેથી મજૂરોએ આપેલા મકાઈના પૂળાને ટ્રેક્ટર માં ગોઠવી રહ્યા હતા તે સમયે ઉપરથી પસાર થતી વીજ લાઈનના તારને તેમનું માથું અડકી જતા અચાનક ધડાકાભેર વીજ પ્રવાહ તેમના શરીરમાંથી વહી જતા કરંટના જોરદાર ઝટકાને પરિણામે લાલભાઈ નીચે પટકાયા હતા તો નીચે રહેલ એક મજૂરને પણ સામાન્ય આંચકો લાગ્યો હતો. વીજ પ્રવાહ એટલો તીવ્ર હતો કે લાલાભાઇ નીચે પટકાયા બાદ મૂછત થઈ ગયા હતા. બનાવના પગલે ગભરાયેલા મજૂરોએ બૂમાબૂમ કરતા તબેલા ના માણસો તેમ જ આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો દોડી આવ્યા હતા. બનાવ અંગે ૧૦૮ એમ્બ્યુલન્સ ને જાણ કરાતા પાયલોટ જગતસિંહ સોલંકી તેમજ ઇએમટી કાળુ સિંહ પરમાર તાત્કાલિક ઘટનાસ્થળે ઘસી ગયા હતા અને લાલભાઈ ને દહેગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા હતા.

(5:34 pm IST)