Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

મહેમદાવાદમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો 15 લાખના દાગીના ચોરી છૂમંતર.....

નડિયાદ : મહેમદાવાદ પારસ કુઈ વિસ્તારમાં બંધ મકાનના દરવાજાનો નચૂકો તોડી તસ્કરો કબાટમાં મુકેલા ચાંદીના દાગીના ૩૦ કિલો વજનના કિંમત રૂ. ૧૫ લાખની મતા ચોરી ગયા હતા. શહેરના હાર્દસમા વિસ્તારમાંથી લાખોની ચોરી થતાં નગરજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ સ્પર્શ વીલા સોસાયટી, ઉત્તરસંડા રોડ પર રહેતા બીરેન મહેશકુમાર સોની મહેમદાવાદ સાકળા બજારમાં સોના ચાંદી ની દુકાન કરી પરિવારનું જીવન નિર્વાહ કરે છે. મહેમદાવાદ મોરારી ભુવન, પારસ કુઈ વિસ્તારમાં આવેલા પોતાના મકાનમાં બિરેન સોની સોના ચાંદી રાખે છે. આ મકાનમાં તેમનો ભત્રીજો પુરવ અને તેના મમ્મી દરરોજ રાત્રે સુવા જતા હતા. પરંતુ પાંચેક દિવસથી પુરવના મમ્મી બીમાર હોવાથી તેઓ સુવા જતા ન હોઇ મકાન બંધ હતું.તસ્કરોએ હાથ અજમાવતા પહેલાં બંધ મકાનની રેકી કરી હોવાની સંભાવના છે.આ મકાન બંધ હોઇ તેનો લાભ લઇ તા. ૨૦ ની સોમવારની રાત્રી સમયે મોરારી ભુવનના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો મુખ્ય દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશ્યા હતા. આ તસ્કરો મકાનમાં પ્રવેશી અંદરના રૂમના લોખંડ તથા લાકડાના દરવાજાનો નકુચો તોડી લાકડાના કબાટમાં મુકેલ ચાંદીના રજવાડી ખીલીવાળા તથા આંકડા વાળા સાંકળા, પગની ઝાંઝરીઓ નાની છોકરાઓની તથા પગના છડા મળી કુલ ૩૦ કિલો વજનના ચાંદીના દાગીના કિંમત રૂ. ૧૫ લાખની મતા ચોરી કરી અંધારાનો લાભ લઇ નાસી ગયા હતા. 

(5:26 pm IST)