Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

આંકલાવના ઉમેટા ગામે ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 24શકુનિઓની ધરપકડ કરી

આણંદ : આંકલાવના ઉમેટા ખાતે ઓચિંતો છાપો મારી આંકલાવ પોલીસના નાક નીચે ચાલતું મસમોટું જુગારધામ પકડી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. છેલ્લા પાંચેક માસથી ઉમેટા ખાતે ચાલતા આ જુગારધામ અંગે શું ખરેખર પોલીસ અજાણ હતી કે પછી પોલીસની રહેમનજર હેઠળ જ આ જુગારધામ ચાલતું હતું તે અંગે સ્થાનિકોમાં ચર્ચાઓ ઉઠી છે.

છેલ્લા કેટલાક દિવસોથી આણંદ જિલ્લા પોલીસના ચોપડે માત્રને માત્ર મોબાઈલ ચોરી તથા સામાન્ય મારામારીના બનાવો નોંધાઈ રહ્યાં છે. તો બીજી તરફ છેલ્લા એક સપ્તાહથી ગાંધીનગરના સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આણંદ જિલ્લામાં વિશેષ વોચ રાખવામાં આવી રહી છે. ગત સપ્તાહે ગાંધીનગરની ટીમે આણંદ પાસેના લાંભવેલના તળાવ ઉપર ચાલતા વિદેશી દારૂના કટીંગ સમયે ઓચિંતો છાપો મારી સાત શખ્સોને ઝડપી પાડયા હતા. ત્યારે હવે આંકલાવ તાલુકાના ઉમેટા ગામેથી વરલી-મટકાનું જુગારધામ ઝડપાતા ભારે ચકચાર મચી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આંકલાવ તાલુકામાં આવેલ ઉમેટા ગામે રેતીના ડેપોની પાછળ ખુલ્લી જગ્યામાં ફિરોજ ઉર્ફે છુ ચન્દ્રસિંહ રાજ પોતાના મળતીયા માણસો રાખી વરલી મટકાનો આંક ફરકનો હારજીતનો જુગાર રમી-રમાડતો હોવાની ગુપ્ત બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમને મળી હતી. જેથી પોલીસની ટીમે બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો મારી સ્થળ પરથી વરલી-મટકાનો આંક ફરકનો જુગાર રમી-રમાડતા ૨૪ શખ્સોને ઝડપી પાડયા હતા. જેમાં અબ્દુલ ફતેસિંહ ચૌહાણ (રહે.ચૌહાણ ફળીયું, ઉમેટા), યાસીનખાન સુલતાનખાન પઠાણ (રહે. નવા બજાર, ઘંટી પાસે, ઉમેટા), કાળુભાઈ અભેસિંહ ચૌહાણ (રહે.ચૌહાણ ફળીયુ, ઉમેટા), રમેશભાઈ છગનભાઈ સોલંકી (રહે.ઢોરવગુ ફળીયું, સંખ્યાડ), પંકજભાઈ જગદીશભાઈ પઢીયાર (રહે.માનપુરા ગામ ચોકડી પાસે), ગમજીભાઈ હરેસિંગ રાઠવા (રહે. હરીનગર, પાણીની ટાંકી પાસે, વુડાના મકાનમાં, ગોત્રી, વડોદરા), દિલીપભાઈ ભગવાનસિંહ પરમાર (રહે.નાનો ભાગ, કાતોલીયા સીમ વિસ્તાર, સેરખી), દિલીપસિંહ અગરસિંહ પરમાર (રહે.નાનો ભાગ, વડીયા તળાવ પાસે, સેરખી), છત્રસિંહ ઉર્ફે ગટીયો દિપાભાઈ પરમાર (રહે. સિંઘરોટ દાજીપુરા), ભુરસિંહ માવસિંહ તડવી (રહે.લીમડી ફળીયા, છાણી), આસીફઅલી અખતરઅલી (રહે. નવાયાર્ડ, ચિસ્તીયા મસ્જીદની પાસે, વડોદરા), નટવરભાઈ રયજીભાઈ પઢીયાર (રહે.વેરાઈમાતાવાળુ ફળીયું, ખડોલ), સંજયભાઈ રમણભાઈ માલ (રહે.છાણી કેનાલ પાસે ઝુપડામાં), રણજીતભાઈ ચંદુભાઈ સોલંકી (રહે.રામજી મંદિરવાળુ ફળીયું, સંખ્યાડ), યુસુફ અહેમદ બેલીમ (રહે.નવી નગરી, તાદલજા), જગદિશભાઈ રાવજીભાઈ સોલંકી (રહે.રામજી મંદિર ફળીયું, સંખ્યાડ), પ્રકાશભાઈ બાબુભાઈ મકવાણા (રહે.ઈન્દિરા કોલોની, ઉમેટા), ફતાભાઈ ભીખાભાઈ માછી (રહે.નવા બજાર, ખોડિયાર માતાના મંદિર પાસે, ઉમેટા), હસમુખભાઈ ગણપતસિંહ ગોહિલ (રહે. ખેતરમાં, નાનો ભાગ, સરેખી), કાંતિભાઈ સુરસિંગભાઈ સોલંકી (રહે.છોટયા તળાવ પાસે, રામપુરા), હર્ષદભાઈ બબાભાઈ પઢિયાર (રહે.તલાવડી વિસ્તાર, ખેતરમાં, ખડોલ), અર્જુનભાઈ મહેન્દ્રભાઈ ગોહીલ (રહે.ભાથીજી ફળીયું, ખેતરમાં, અલારસા), રામાભાઈ સોમાભાઈ માછી (રહે. નવા બજાર, ઉમેટા) અને સુરેશભાઈ રાયસિંગભાઈ બારીયા (રહે. હરીનગર, સેવાસી કેનાલ પર ઝુપડામાં, વડોદરા)નો સમાવેશ થાય છે. જ્યારે મુખ્ય સૂત્રધાર ફિરોજ ઉર્ફે છુ ચન્દ્રસિંહ રાજ સ્થળ પર હાજર ન હોઈ પોલીસ પકડથી દુર રહેવા પામ્યો હતો. પોલીસે ઝડપાયેલ તમામ શખ્સોની અંગઝડતીમાંથી મળી આવેલ રોકડા રૂા.૨૪૨૧૫, મોબાઈલ ફોન નંગ ૧૮ અંદાજિત કિંમત રૂા.૫૪૦૦૦ તથા પાંચ મોટરસાયકલ મળી કુલ્લે રૂા. ૧૮૮૨૧૫નો મુદ્દામાલ કબ્જે લઈ ૨૫ શખ્સો વિરૂધ્ધ આંકલાવ પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી મુખ્ય સૂત્રધાર ફિરોજ ઉર્ફે છુ ચન્દ્રસિંહ રાજને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(5:28 pm IST)