Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

સુરતમાં રીક્ષા-કાર વચ્ચે ફસાય જવાથી મહિલાનું મૃત્યુ

સુરત: સુરતના ચૌટાપુલ પર મંગળવારે સાંજે એકસયુવીના ચાલકે રીક્ષાને ટક્કર મારતા બે રીક્ષા વચ્ચે ફસાયેલી મહિલાનું મોત નીપજ્યું હતું. જયારે તેની બહેનપણી અને રીક્ષા ચાલકને ઈજા થઈ હતી. અકસ્માત બાદ એકસયુવી ચાલક એકસયુવી ત્યાં મૂકીને ભાગી ગયો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વેડરોડ તિરૂપતી સોસાયટી તિરૂપતી એપાર્ટમેન્ટ ફ્લેટ નં.202 માં રહેતા રત્નકલાકાર કૈલાશભાઈ બલરામભાઈ કામથેકરના પત્ની પ્રેમીલાબેન ( ઉ.વ.36 ) ગત બપોરે દોઢ વાગ્યે બહેનપણી સંગીતાબેન સાથે ચૌટાબજાર ખાતે ખરીદી કરવા ગયા હતા. ખરીદી કરીને પોણા ચાર વાગ્યે બંને ચૌટાપુલ પર આવી ચોકબજાર ચાર રસ્તા જવા માટે રીક્ષાની રાહ જોતા હતા ત્યારે બેફામ આવેલા એકસયુવી 700 ( નં.જીજે-21-સીસી- 6615 ) ના ચાલકે ત્યાં ઉભેલી રીક્ષાને ટક્કર મારી હતી અને તે આગળની રીક્ષા સાથે ભટકાતા પ્રેમીલાબેન બંને રીક્ષા વચ્ચે આવતા ગંભીર ઈજા થઈ હતી અને નીચે પટકાઈને બેભાન થઈ ગયા હતા. અકસ્માતમાં તેમની બહેનપણી સંગીતાબેનને પણ ટક્કર લાગતા તે રોડની સાઈડ પર પડી જતા ઈજા થઈ હતી તેમજ રીક્ષા ચાલકને પણ ઈજા થઈ હતી. અકસ્માતમાં બંને રીક્ષાને નુકશાન પણ થયું હતું. અકસ્માત બાદ એકસયુવી ચાલક એકસયુવી ત્યાં મૂકીને ભાગી ગયો હતો. બનાવને પગલે એકત્ર થયેલા લોકોએ 108 ને જાણ કરતા પ્રેમીલાબેન અને સંગીતાબેનને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં ફરજ પરના તબીબે પ્રેમીલાબેનને મૃત જાહેર કરતા તેમના બે પુત્રોએ માતાની છત્રછાયા ગુમાવી હતી. બનાવ અંગે લાલગેટ પોલીસે કૈલાશભાઈની ફરિયાદના આધારે એકસયુવીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(5:29 pm IST)