Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

વડોદરાના દરજીપુરા વિસ્તારમાં દીપડો જોવા મળતા વનવિભાગે તપાસ હાથ ધરી

વડોદરા:શહેરના છેવાડે દરજીપુરા એરફોર્સ ખાતે દીપડો દેખાયો હોવાનો સંદેશો મળ્યા બાદ અહીં જમીનમાં તેના પંજા મળી આવ્યા હતા. આ સાથે અહીં દીપડો હોવાનું સાબિત થતા વન વિભાગે તેને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. 

દરજીપુરા એરફોર્સ ખાતે આજે વહેલી સવારે અંદાજે ચાર વાગે અહીંના કેટલાક ગાર્ડ અને સંત્રીઓએ દીપડો જોયો હતો. જેથી તુરંત ઘટનાની જાણ પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકર્તાઓને કરી હતી. આ સાથે જ સામાજિક સંસ્થાના કાર્યકર્તાઓ અહીં દોડી આવ્યા હતા. તેમણે તપાસ કરતા દરજીપુરા એરફોર્સની માટીમાં કેટલી જગ્યાએ દીપડાના પંજાના નિશાન જોવા મળ્યા હતા. જેથી તેમણે અહીં દીપડો આવ-જા કરતો હોવાની બાબતને પુષ્ટિ કરી હતી. એમના જણાવ્યા મુજબ, દીપડો દરજીપુરા એરફોર્સ પાસે આવેલી એક કેનાલમાંથી આવ-જા કરી રહ્યો છે. બનાવ મામલે વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. જેથી વન વિભાગે અહીં પાંજરું મુકવાની વ્યવસ્થા કરી દીપડાને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે. દીપડો કોઈને નુકસાન પહોંચાડે તે અગાઉ ઝડપાઈ જાય તે હિતાવહ છે.

(5:30 pm IST)