Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

વડોદરા:શિનોર તાલુકામાં એકના ડબલ કરવા એકઠી થયેલ ટોળકીના પાંચ સભ્યોની ધરપકડ

 શિનોર;તાલુકાના પુનિયાદ ગામે એક ખેતરમાં એકના ડબલ કરવાની લાલચ આપી એક મહિલાને ઠગવા માટે આવેલા પાંચ શખ્સોને જિલ્લા પોલીસે ઝડપી પાડી કુલ રૃા.૭.૪૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

શિનોર તાલુકાના પુનિયાદ ગામે ટેકરાવગામાં એક ખેતરમાં એકના ડબલ રૃપિયા કરી આપતી ઠગ ટોળકીના પાંચ સભ્યો ભેગા થયા છે અને આ ટોળકીએ એક મહિલાને બોલાવી છે તેવી બાતમીના આધારે જિલ્લાની એલસીબી શાખાના માણસોએ સ્થળ પર પહોંચીને ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં ઉસ્માન બચુ દિવાન (રહે.પુનિયાદ), રાકેશ વિજય તડવી (રહે.તેનતળાવ), મકબુલશાહ અબ્દુલશાહ દિવાન (રહે.ગઢબોરીયાદ,તા.નસવાડી),  ઈરફાન મુસ્તુફા દિવાન (રહે.કોઠીયાપુરા) અને કેસરીસિંગ ઉર્ફે અલ્લારખા ઉદેસિંહ વાઘેલા (રહે.ભોજ, તા.પાદરા)ને ઝડપી પાડયા હતા. 

એકના ડબલના નામે ઠગાઇ કરવા આવેલા પાંચેય શખ્સો પાસેથી સ્ટીલના ચોરસ ડબ્બામાંથી રૃા.૪ લાખ, ત્રણ બાઇક અને છ મોબાઈલ મળી કુલ રૃા.૪.૯૧ લાખનો મુદ્દા માલ કબજે કરેલ છે, આ બાબતે તેઓ દ્વારા કોઈ સંતોષકારક જવાબ ના મળતા અટકાયત કરી હતી.

આ ટોળકીએ વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતાં કમળાબેન વજેસંગ પરમારને એકના ડબલ કરવાનો વિશ્વાસ આપી પુનિયાદ બોલાવ્યા હતા. કમળાબેન પાસેથી રૃા.૨.૫૦ લાખ રોકડા કબજે કરી કુલ રૃા.૭.૪૧ લાખનો મુદ્દામાલ સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કબજે કરીને પાંચેય ઈસમોની સીઆરપીસી કલમ ૪૧(૧) ડી મુજબ અટકાયત કરવામાં આવી હતી. પોલીસે તેઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.

(5:32 pm IST)