Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

સુરતના ધારાસભ્‍ય કુમાર કાનાણી અને ટ્રાવેલ્‍સ એસોસિએશનના પ્રમુખ વચ્‍ચે વિવાદઃ રોડ પર ટ્રાફિક જામ થતા મુસાફરો હેરાન-પરેશાન

એસોસિએશનના પ્રમુખે ધારાસભ્‍યએ હૂમલો કરવા માણસો મોકલ્‍યાનો ગંભીર આરોપ લગાવ્‍યો

સુરતઃ સુરતની વરાછા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણીના લેટર બોમ્બે સુરતના નાગરિકોની ઊંઘ હરામ કરી છે. કુમાર કાનાણી અને લક્ઝરી ટ્રાવેલ એસોસિયેશન વચ્ચેનો વિવાદ સતત વધી રહ્યો છે. આ વચ્ચે સુરતના નાગરિકો પીસાી રહ્યાં છે. કુમાર કાનાણીએ બસ એસોસિએશનના પ્રમુખ પર આરોપ લગાવ્યો કે, બસ એસોસિએશનના પ્રમુખ મુસાફરોને હેરાન કરી રહ્યા છે. બસ એસોસિએશનના પ્રમુખને અભિમાન છે. હું કોર્પોરેશનને રજૂઆત કરી બસની વ્યવસ્થા થાય તેવું કરીશ. તો બીજી તરફ, બસ એસોસિએશનના પ્રમુખે ધારાસભ્ય કુમાર કાનાણીએ હુમલો કરવા માણસો મોકલ્યાનો ગંભીર આરોપ લગાવ્યો છે. 

સુરતમાં સતત બીજા દિવસે વાલક પાટિયા પાસે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. આજે વહેલી સવારે લકઝરી બસો દ્વારા ટ્રાફિક કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ, સુરત પોલીસ દ્વારા આ અંગે કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. ગતરોજ 4 પાર્કિગની વ્યવસ્થા ઉભી કરવાની મોટી મોટી વાતો કરાઈ હતી. પરંતું લકઝરી બસોને સંચાલકો દ્વારા રોડ પર જ પાર્ક કરી દેવાઈ હતી. જેથી સુરતમાં નોકરિયાત વર્ગને આજે પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સતત બની રહેલા બનાવને પગલે લોકોમાં રોષનું વાતાવરણ જોવા મળ્યું. આટલો વિવાદ છતા પણ એક પણ ટ્રાફિક વિભાગનો પોલીસ કર્મી સ્થળ પર હાજર ન દેખાયો. 

તો બીજા દિવસે પણ લક્ઝરી બસની મનમાનીને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. બીજા દિવસે પણ રીક્ષા ચાલકોએ નાગરિકો પાસેથી બેફામ ભાડું વસૂલ્યું. એક તરફ દોઢું ભાડું, તો બીજી તરફ ટ્રાફિક જામની પરિસ્થિતિ ઉભી થતા નાગરિકોની અકળામણ વધી હતી. જેને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. સાથે જ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નહિ આવી હોવાનો આરોપ પણ મૂકાયો. 

કુમાર કાનાણીએ હુમલો કરાવ્યાનો આરોપ
સુરતમાં બસ એસોસિએશન અને ધારાસભ્યનો વિવાદ હવે વકરી રહ્યો છે. ત્યારે એસોસિએશનના પ્રમુખ દિનેશ અણધને કુમાર કાનાણી પર મોટો આરોપ મૂક્યો છે. તેમણે ગંભીર આક્ષેપ મૂકતા કહ્યું કે, કુમાર કાનાણીએ મારા પર હુમલો કરવા માટે 20 માણસો મોકલ્યા હતા. માણસો મોકલી પકડો અને મારો એવો આદેશ આપ્યો હતો. પોલીસે બસને તાપી નદી પાસે ખોટી રીતે રોકી રાખી છે. બસમાં અપહરણનો આરોપ લગાવી બસ રોકી રખાઈ હતી. ધારાસભ્યએ સંકલન બેઠકનું આયોજન કરી અમને બોલાવા જોઈતા હતા. 

(5:46 pm IST)