Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

ઉનાળાની શરૂઆત થાય એ પહેલા રાજ્‍યના મોટાભાગના જળાશયો જળસંકટમાં: પાણીનો વેડફાટ પણ જવાબદાર

ભાવનગર, સુરેન્‍દ્રનગર, અમરેલી, જામનગર જિલ્લાઓમાં પાણીની સમસ્‍યા સર્જાય તો નવાઇ નહીં

અમદાવાદઃ ઉનાળો શરૂ થવામાં હવે વધુ વાર નથી. જો કે તે પહેલાં જ રાજ્યનાં ઘણા જળાશયોનાં તળિયા દેખાઈ રહ્યા છે. કેટલાક તો અત્યારથી જ તળિયાઝાટક થઈ ગયા છે. જેને જોતાં ઘણા વિસ્તારો પર જળસંકટ તોળાઈ રહ્યું છે. આ દ્રશ્યો ભરઉનાળાનાં નહીં, પણ વિદાય લેતા શિયાળા વખતનાં છે. હજુ તો ઉનાળો ખેંચવાનો બાકી છે, પણ કેટલાક જળાશયો અત્યારથી જ ખાલી થવા લાગ્યા છે. ઉનાળો આવતાં સુધી કેવા દ્રશ્યો સર્જાશે, તે ખબર નથી..

ભાવનગરની સ્થિતિ
ભાવનગર જિલ્લાના જળાશયો અત્યાથી જ તળિયા ઝાટક થવા લાગ્યા છે. ગરમીનો પારો વધતાં 12 જળાશયોમાંથી 6 જળાશયોના તળિયા દેખાઈ રહ્યા છે. જેમાં  3થી 5 ટકા જ પાણી બચ્યું છે. બીજા 6 જળાશયોમાં 46 ટકાથી 61 ટકા જેટલો પાણીનો જથ્થો છે. જો કે ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પાણીનો જથ્થો 61 ટકા જેટલો હોવાથી લોકોને પીવાના પાણીની મુશ્કેલી નહીં પડે તેમ તંત્રનો દાવો છે. 

સુરેન્દ્રનગરની સ્થિતિ
સુરેન્દ્રનગર જિલ્લાના થોરિયાળી, ફલકું, નાયકા અને વળોદ અને ત્રિવેણી ઠાગા સહિતનાં ડેમ કોરા ધાકોર બન્યા છે. બીજી તરફ જિલ્લામાં પાણી માટેના મુખ્ય સ્ત્રોત એવા ધોળીધજા ડેમની જળસપાટી 12 ફુટે પહોંચી ગઈ છે. ધોળીધજા ડેમમાંથી જામનગર અને બોટાદને પણ પાઈપ લાઈનથી પાણી આપવામાં આવે છે..જેના માટે નર્મદાનું પાણી ડેમમાં ઠલવાય છે. જો કે ડેમમાં પાણી ઓછું થતાં અત્યારથી જ ચોટીલા, થાન અને મૂળી પંથકના લોકોએ પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. 

અમરેલીમાં પાણીનો પોકાર
અમરેલી જિલ્લાનાં 10 જળાશયોમાં અત્યારે 26થી 56 ટકા સુધી પાણીનો જથ્થો છે. ગયા વર્ષે ચોમાસામાં સારો વરસાદ પડતા ઉનાળામાં પાણીની સમસ્યા નહીં સર્જાય તેવી હાલની સ્થિતિ છે..અમરેલી જિલ્લાના સૌથી મોટા ખોડિયાર ડેમમાં 35.63 ટકા પાણી છે. જ્યારે વડી ડેમમાં 27 ટકા જેટલો પાણીનો જથ્થો છે.

જામનગરમાં શું છે સ્થિતિ
જામનગરના 14 જળાશયોમાં હાલ 38 ટકા પાણીનો જથ્થો વધ્યો છે. જેમાંથી 4 ડેમના ફેબ્રુઆરીના અંત સુધી તળિયા દેખાય તેવી સ્થિતિ છે..તો બાકીના 10 ડેમમાં જૂન સુધી પાણી ચાલે તેટલું છે. જેથી જામનગરના લોકો માટે પીવાના પાણીની સમસ્યા સર્જાવાની શક્યતા ઓછી છે. રણજીતસાગર અને સસોઈ સહિતના જળાશયોમાં સૌની યોજનાથી નર્મદાનું પાણી ઠલવાતા પીવાના પાણીની ચિંતા નહીં રહે.વડોદરાના તળાવ તળિયા ઝાટક
આ દરમિયાન કેટલાક કિસ્સામાં તંત્રની બેદરકારી પણ સામે આવી રહી છે. વડોદરા શહેરનું છાણી તળાવ અત્યારથી જ તળિયાઝાટક છે. તળાવ તળાવ જેવું લાગતું જ નથી. સુજલામ સુફલામ અભિયાન હેઠળ 15 કરોડ રૂપિયાનાં ખર્ચે તળાવ ઉંડુ તો કરવામાં આવ્યું. પણ તેમાં 6 વર્ષથી પાણી ભરવામાં આવ્યું નથી. કોર્પોરેશને તળાવમાં પાણી ન છોડતાં હાલ તળાવમાં બિલ્ડરો ડ્રેનેજનું પાણી છોડી રહ્યા છે. તળાવ ઉંડુ કરતાં તેના તળ તૂટી ગયા છે. જેના કારણે તળાવમાં ભરાતા વરસાદી પાણી જમીનમાં ઉતરી જાય છે.રાજ્ય સરકારે ગયા સપ્તાહે જ સુજલામ સુફલામ યોજનાનાં છઠ્ઠા તબક્કાની શરૂઆત કરાવી છે. 104 દિવસ સુધી એટલે કે ઉનાળા સુધી ચાલનારા આ અભિયાન હેઠળ રાજ્યભરમાં તળાવો ઉંડા કરવાની, ચેકડેમ બનાવવાની અને તેમનાં સમારકામ કરવાની તેમજ નહેરો અને કાંસની સફાઈ કરવામાં આવે છે. જેથી ચોમાસામાં પાણીનો સંગ્રહ કરી શકાય. જો કે આ યોજના હેઠળ અગાઉ કરાયેલી કામગીરીની પણ સમીક્ષા થવી જોઈએ. જેથી વડોદરાનાં છાણી તળાવ જેવો ઘાટ ન સર્જાય.

(5:47 pm IST)