Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

વડોદરામાં મહાનગર પાલિકાની આવાસ યોજનાના મકાન ભાજપ કોર્પોરેટરના સગા-સંબંધીઓને ફાળવી દેવાયા હોવાનો કોર્પોરેટર આશિષ જોષીને આક્ષેપ

20 નામોની યાદી લેખિત પુરાવા સાથે બજેટ સભામાં મેયર સમક્ષ રજુ કરાઇ

વડોદરા: વડોદરા મહાનગરપાલિકામાં આવાસ યોજનાના મકાનો ફાળવવામાં ગેરરીતી થઈ હોવાનું ફરી બહાર આવ્યું છે. આ વખતે પૂર્વ વિપક્ષના નેતા નિશાના ઉપર છે અને તેમના સગા સંબંધીઓને આવાસો ફાળવી દેવા હોવાનો આક્ષેપ થયો છે. ભાજપના કોર્પોરેટરે નામોની યાદી સાથે કોર્પોરેશનની સભામાં રજૂઆત કરતા ખડભળાટ મચ્યો છે.

વડોદરા મહાનગરપાલિકા અને આવાસ યોજના આ બંને એકબીજાના વિવાદના પર્યાય બની ગયા છે. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં કૌભાંડ જાણે કે બંધ લેવાનું નામ લઈ રહ્યું નથી, કોર્પોરેશનની સભામાં હંમેશા પ્રશ્નો ઉઠાવતા પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ હવે પોતે નિશાના પર આવ્યા છે. વડોદરાના વાડી વિસ્તારમાં 2010ના વર્ષમાં ચંદ્રપ્રભા ઝુંપડપટ્ટી તોડીને બીએસયુપીના આવાસો બનાવવામાં આવેલા. આ આવાસોમાં 20થી વધારે એવા લોકોને મકાન આપવામાં આવ્યા છે કે જે પૂર્વ વિપક્ષી નેતા અને હાલના કોંગ્રેસ કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવના સગા સંબંધી છે એમના ઓળખીતા છે ડ્રાઇવર, તેમના કૌટુંબિક ભાઈ અને વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની દીકરીના નામે પણ મકાન ફાળવી દેવાયું હોવાના આક્ષેપ થયો છે.

કોર્પોરેટર આશિષ જોષીએ 20 નામોની યાદી અને તે કેવી રીતે પૂર્વ વિપક્ષના નેતા સાથે જોડાયેલા છે તેના નામ સાથેની રજૂઆત કોર્પોરેશનની બજેટ સભામાં મેયર સમક્ષ કરી હતી. લેખિત પુરાવા સાથેની આ રજૂઆતમાં ખુલાસો થયો છે કે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની દીકરી દીપા શ્રીવાસ્તવના નામે પણ સાત નંબરના બ્લોકમાં 17 નંબરનું મકાન ફાળવવામાં આવ્યું છે અને આ મકાનના ભરવાના થતા 80,000 રૂપિયા પણ ભર્યા નથી. સમગ્ર મામલે મેયરને રજૂઆત થતા મેયર કેયુર રોકડિયાએ તપાસ કરવાના આદેશ પણ આપ્યા છે.

કયા નંબરના મકાનો ઓળખીતાને ફાળવ્યાનો આક્ષેપ તેની વાત કરીએ તો... 153, 175, 217, 253, 312, 324, 326, 363, 464, 476, 559, 567, 591 છે.

આક્ષેપ બાબતે પૂર્વ વિપક્ષે નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કહ્યું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ડભોઇમાં પ્રચાર કરવા ગયો હતો અને જેનું વેર રાખીને આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, મેં કોઈની પણ મકાન માટે ભલામણ કરી નથી અને ખોટી રીતે મારા કોઈ સગાને મકાન અપાવ્યું નથી. સમગ્ર મામલે માત્ર આ એક આવાસ યોજના નહીં પરંતુ શહેરની તમામ આવાસ યોજનાની તપાસ થવી જોઈએ અને દોષિતો સામે કાર્યવાહી પણ કરવી જોઈએ. 

જ્યારે વિપક્ષ નેતા અમીબેન રાવતે કહ્યું કે જે પણ રાજકીય વ્યક્તિઓના પરિવારને મકાનો ફાળવાયા છે તે તમામ પાછા લઈ ગરીબોને આપવા જોઈએ...ભાજપનું શાસન વર્ષોથી કોર્પોરેશનમાં છે એટલે ભાજપના શાસનમાં આવાસ યોજનામાં કૌભાંડ થાય છે તે પુરવાર થયું.

ચંદ્રપ્રભા આવાસ યોજનાને નિર્માણ થયાને 10 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. જોકે મોડે મોડે આવાસ યોજનામાં ગેરરીતી થઈ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે શું ગરીબોના હિત માટે આક્ષેપ કરાઈ રહ્યા છે કે પછી પોતાનો કોઈ રાજકીય હેતુ સિદ્ધ કરવા તે ચર્ચાનો વિષય બન્યો છે.

(11:42 pm IST)