Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

અમદાવાદના કણભા ગામની સીમમાં દેરાણી-જેઠાણીની હત્‍યાનો ભેદ ઉકેલાયોઃ આરોપી રોહિત ચુનારાની ધરપકડ

આરોપીએ મૃતક મહિલા મંગીબેન પાસે અભદ્ર માંગણી કરતા મહિલા તાબે ન થતા બંને મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી

અમદાવાદ: ગુજરાતમાં મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસની ઘટનાઓ વધતી જઈ રહી છે. હવે મહિલાઓ સુરક્ષિત જણાતી નથી, તેમ એક પછી એક ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. ત્યારે અમદાવાદના કણભા ગામની સીમમાં આવેલા ભુવાલડી ગામમાં બે મહિલાઓની કરપીણ હત્યા કરી મોતને ઘાટ ઉતારી દેવાના કેસમાં  અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરીને સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે.

આજથી લગભગ 20 એક દિવસ અગાઉ કણભા ગામની નજીક આવેલા ભુવાલડી ગામમાં ગૌચરની જમીનમાં લાકડા કાપવા જતી બે મહિલાઓની ઘાતકી હત્યા કરવાના ગુનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રોહિત ચુનારા નામના એક આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપી ખેતરમાં ભાલીયા તરીકે કામ કરતો હતો અને ખેતરમાં કોઈ પણ લાકડા કાપવા આવે તો તેને લાકડા કાપવા દેવા નહિ તેનું કામ આરોપી કરતો હતો.

મંગી બહેન ગીતા બહેન આજ ખેતરમાં લાકડા કાપવા માટે આવ્યા હતા અને તે સમયે આરોપી બન્નેની પાછળ ધારિયું લઈને પડ્યો હતો. અને આરોપી રોહિત ચુનારા એ પોલીસ સમક્ષ એવી કેફિયત વર્ણવી છે કે લાકડા કાપવા આવેલી મંગી બહેન સાથે તેણે અભદ્ર માંગણી કરી હતી અને મંગી બહેને તેની માંગણીનો સ્વીકાર કર્યો નહોતો તેથી પહેલા મંગી બહેનની હત્યા કરી નાખી અને બાદમાં તેમની સાથે આવેલી ગીતા બહેનને પણ મોતને ઘાટ ઉતારી દીધી હોવાની કબૂલાત કરી છે.

આરોપી રોહિત ચુનારા માનસિક વિકૃતિ ધરાવતો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે અને સમગ્ર કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની 02 ટીમો સતત દસ દિવસ સુધી ગામા રોકાયા હતા. ત્યારે આ ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. ત્યારે પોલીસ પાસે એવી ઘણી આરોપીની માનસિક વિકૃત ઓના એવા કેટલાક કિસ્સાઓ પણ ધ્યાને આવ્યા છે, પરંતુ તે તમામ બાબતો ક્યાંય કોઈ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાઈ નથી અને આરોપીની એવી નિમ્ન કક્ષાની કેટલીક વૃત્તિઓ પોલીસ તપાસમાં સામે આવી છે. જેને બહાર લાવતા બે ઘડી વિચાર કરવો પડે તેવી વિકૃતિઓ સામે આવી છે.

(5:53 pm IST)