Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

બરોડા ડેરીના કાર્યકારી પ્રમુખ પદેથી જી.બી. સોલંકીએ રાજીનામુ આપ્યું

તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી ડેરીનું વાતાવરણ ડહોળવામાં આવ્યું છે. તેમજ મારી પર કોઈનું દબાણ નથી ભાજપ કે કોઈ ધારાસભ્ય નું દબાણ નથી

બરોડા ડેરીના કાર્યકારી પ્રમુખ પદેથી તથા ઉપપ્રમુખ પદેથી જી.બી. સોલંકીએ રાજીનામુ આપ્યું છે. તેમણે કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી ડેરીનું વાતાવરણ ડહોળવામાં આવ્યું છે. તેમજ મારી પર કોઈનું દબાણ નથી ભાજપ કે કોઈ ધારાસભ્યનું દબાણ નથી. આ ઉપરાંત તેમણે કહ્યું કે શાંતિના યજ્ઞમાં મારા પદની આહુતિ આપું છું.

બરોડા ડેરીના વિવિધ પ્રશ્નોને લઈને ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર શરૂ થયો છે. વડોદરાના ત્રણ ધારાસભ્યોએ મુખ્યપ્રધાન, સહકાર મંત્રી અને પ્રદેશ પ્રમુખ સાથે બેઠક કરી. બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર, ભરતી પ્રક્રિયામાં સગાવાદ અને પશુપાલકોના ભાવ સહિતના મુદ્દા પર ચર્ચાઓ કરવામાં આવી.

 

 કેતન ઈનામદાર,અક્ષય પટેલ અને ધર્મેન્દ્ર સિંહ વાઘેલાએ અલગ-અલગ ત્રણ બેઠક કરી હતી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા અને સી આર પાટીલ સાથે બેઠક કરી ચર્ચાઓ કરી. ત્યારે આજે વધુ એક બેઠક થવાની સંભાવના છે.

 

બરોડા ડેરી કૌભાંડ મામલે ભાજપના જ ધારાસભ્યોએ હવે પશુપાલકોને સાથે રાખીને ડેરી સામે મોરચો માંડ્યો છે. આ પહેલા ધારાસભ્યો કેતન ઇનામદાર, અક્ષય પટેલ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ હજારો પશુપાલકોને સાથે રાખીને બરોડા ડેરી પર હલ્લાબોલ કર્યું .ધરણા યોજ્યા બાદ કેતન ઇનામદાર અને અન્ય ધારાસભ્યો પશુપાલકો સાથે બરોડા ડેરી પહોંચ્યા અને ડેરી કેમ્પસમાં પ્રવેશ કર્યો. કેટલાક સમર્થકો દરવાજો કૂદીને પણ અંદર આવ્યા. જેના કારણે ડેરીમાં અફરાતફરી મચી ગઇ હતી.

 

(9:24 pm IST)