Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

નર્મદા જિલ્લા આયોજન બેઠકમાં ધારાસભ્યના વિરોધને પગલે નાંદોદ, તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકાનુ આયોજન કરાયું રદ

નિયમ કરતા વધુ રૂપિયા આયોજન માટે ફળવાયા છે તો વધારાના રૂપિયા કોણ આપશે: નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે કર્યો અધિકારીને સવાલ: ધારાસભ્ય અને તાલુકા પંચાયતના પ્રમુખો વચ્ચે સંકલનનો અભાવ, મે અગાઉ અધિકારીઓ પાસે આયોજન અંગેની માહિતી માંગી હતી જે મને નિયમ સમયમાં મળી નથી: ડો.દર્શનાબેન દેશમુખ, ધારાસભ્ય નાંદોદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી અને નર્મદા જિલ્લના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષપદે રાજપીપલા કલેક્ટરાલય ખાતે નર્મદા જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી.આ બેઠકમા વિવાદ ઉભો થયો હતો, નિયમ કરતા વધુ રૂપિયાનું અયોજન કરાતા નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે સખત વિરોધ નોંધાવ્યો હતો.ડો.દર્શનાબેન દેશમુખે નિયમ કરતા વધુ રૂપિયા આયોજન માટે ફળવાયા છે તો વધારાના રૂપિયા કોણ આપશે એવો અધિકારીને સવાલ કરતા એક સમયે સન્નાટો છવાઈ ગયો હતો.

આ બેઠકમાં વિવાદ ઊભો એ મુદ્દે ઉભો થયો હતો કે, નાંદોદ તાલુકા માટે 1.72 કરોડ અને ગરુડેશ્વર તાલુકા માટે 2.40 કરોડ રૂપિયાનું આયોજન નક્કી કરાયું હતું.ત્યારે નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે એનો સખત વિરોધ કરતા અધિકારીઓને જણાવ્યું હતું કે નિયમ મુજબ નાંદોદ તાલુકા માટે 1.50 કરોડ જ્યારે ગરુડેશ્વર તાલુકા માટે 1.25 કરોડ મંજૂર કરવાના હોય છે એની જગ્યાએ વધુ રૂપિયાનું આયોજન કેમ કરાયું છે.ડો.દર્શનાબેન દેશમુખે અધિકારીને ચાલુ બેઠકમાં એવો સવાલ કર્યો હતો કે વધારાના રૂપિયા કોણ આપશે. ધારાસભ્યએ સખત વિરોધ નોંધાવતા આખરે નાંદોદ, તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકાનુ આયોજન કરાયું રદ કરાયું હતું.હવે આગામી સમયમાં બીજી બેઠક મળશે ત્યારે નવું આયોજન નક્કી થશે.આ બાબતે ડો.દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે ધારાસભ્ય અને તાલુકા પંચાયત ના પ્રમુખો વચ્ચે સંકલનનો અભાવ છે.મે અગાઉ અધિકારીઓ પાસે આયોજન અંગેની માહિતી માંગી હતી જે મને નિયમ સમયમાં મળી નથી.
આ બેઠકમાં સાંસદ મનસુખભાઈ વસાવા અને ગીતાબેન રાઠવા,નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ, ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, નગરપાલિકા-તાલુકા પંચાયતના પ્રમુખો, જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા આયોજન અધિકારી શશાંક પાંડે સહિત જિલ્લા આયોજન મંડળના સભ્યો સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.મંત્રી ભીખુસિંહ પરમારે જિલ્લાના વિકાસ કામોમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહે તે જોવા અને વિવિધ યોજનાના લક્ષિત લાભાર્થીઓ અને જિલ્લા વહિવટીતંત્ર વચ્ચે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભૂમિકા મહત્વની રહેલી છે, ત્યારે વિકાસ કામોના આયોજન અને તેના અમલીકરણની દિશામાં જરૂરી સંકલન જળવાઈ રહે તેવી તેમણે ખાસ હિમાયત કરી હતી.

 

(10:24 pm IST)