Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

તલાટી - કલાર્ક માટેના ૩૫ લાખ ફોર્મ રદ્દ : જગ્યાઓ વધારી નવી ભરતી પ્રક્રિયા

સરકારે પંચાયતમાં ભરતી માટે જિલ્લા સમિતિ વિખેરી સત્તા રાજ્ય કક્ષાએ લઇ લેતા નિયમોમાં ધરખમ ફેરફાર

રાજકોટ તા. ૨૨ : રાજ્ય સરકારે તાલુકા - જિલ્લા પંચાયતોમાં વર્ગ-૩ના કર્મચારીઓની ભરતી માટે જિલ્લા કક્ષાની પંચાયત પસંદગી સમિતિઓનું વિસર્જન કરી સઘળી સત્તા ગુજરાત પંચાયત પસંદગી સેવા બોર્ડને સોપી દેતા નિયમોમાં ધરખમ ફેરફારો તોળાઇ રહ્યા છે. સરકારે આ અંગે વિધાનસભામાં વિધેયક પસાર કર્યા બાદ નવા નિયમો બનાવવા પંચયત અને કાયદા વિભાગમાં કામગીરી ચાલી રહી છે. ૨૦૧૮માં પંચાયત તલાટી અને જુનિયર કલાર્કની જગ્યા માટે સરકારે અરજી મંગાવતા ૨૮૦૦ જેટલી જગ્યાઓ માટે ૩૫ લાખ જેટલી અરજીઓ આવેલ. ત્યારપછી ભરતી પ્રક્રિયા આગળ વધેલ નહિ. સરકારે આ તમામ ફોર્મ રદ્દ કરી નવેસરથી અરજીઓ મંગાવવાનો નિર્ણય કર્યાનું અને તેની સત્તાવાર જાહેરાત હવે પછી થનાર હોવાનું જાણવા મળે છે.

૨૦૧૮ની ૨૮૦૦ જગ્યાઓના બદલે કુલ જગ્યા ૫ હજાર જેટલી કરવાનું નક્કી થયું છે. કલાર્ક - તલાટી ઉપરાંત પંચાયતની અન્ય કેટલીક કેડરો માટે પણ ભરતી પ્રક્રિયા થશે. જે તે વખતે દરેક ઉમેદવારને એકથી વધુ જિલ્લામાં અરજી કરવાની છુટ હોવાથી કુલ અરજીઓનો આંકડો મોટો થઇ ગયો હતો. હવે એક જ જિલ્લામાં અરજીની છુટ અપાશે. જે તે વખતે અરજી કરનારા ઉમેદવારોને વયમર્યાદા કે ફી બાબતે અન્યાય ન થાય તેની સરકાર કાળજી રાખવા માંગે છે. કુદરતી ન્યાયતા સિધ્ધાંત મુજબ તક અપાશે. સરકારે જિલ્લાવાર ખાલી જગ્યાઓ બાબતે માહિતી (માંગણા પત્ર) મંગાવી છે. ૨૦૨૨ની ધારાસભાની ચૂંટણી પૂર્વે વિવિધ વિભાગોમાં મોટાપાયે ભરતી આવી રહી છે.

(10:20 am IST)